મોરબીમાં કોમી એકતા સાથે એક જ ચોકમાં નવરાત્રી અને મોહર્રમની ઉજવણી

(સંવાદદાતા દ્વારા) મોરબી, તા.ર૪
મોરબીમાં એક જ ચોક વચ્ચે મોર્હરમના વાયેજ અને નવરાત્રીના ગરબાની રમઝટ બોલાવી હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડી બંને તહેવારોને હળીમળી ઉજવાય છે. જેમાં છેલ્લા ૩૫ વર્ષથી શકિત ચોક ગરબી મંડળ દ્વારા વિનામૂલ્યે રાસ ગરબાનું આયોજન થાય છે. આ ગરબીમાં ૧૪ વર્ષથી સોનાની ભેટ આપી બાળાઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે તેમજ આ ગરબીમાં છેલ્લા ૧૦ વર્ષથી મુસ્લિમ બાળાઓ ઉત્સાહભેર ભાગ લઈ પ્રાચીન ગરબાની રમઝટ બોલાવે છે જે હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી ભારતીય સંસ્કૃતિની સાથે એકતા અને અખંડિતતા જાળવતી આ શક્તિ ચોકની ગરબી અન્યો માટે પ્રેરણારૂપ બની છે. નવરાત્રી અને મોર્હરમના શોકમય વાએઝના તહેવાર એક સાથે શરૂ થતા હિન્દુ-મુસ્લિમની એકતાના કારણે માં અંબેની આરાધના પહેલાં મુસ્લિમ આગેવાનોએ હુસેની ચોક ખાતે વાએઝનો સમય એક કલાક ટૂંકો કરી વાએઝ એક કલાક વહેલા શરૂ કરવામાં આવે છે તો શકિત ચોક ગરબી મંડળના આગેવાનો પણ એક કલાક ગરબી મોડી શરૂ કરી સાથસહકાર સાથે છેલ્લા ત્રણ વર્ષથી બંને કોમની પ્રેરણારૂપી એકતાથી બંને તહેવારોની સાથે ઉજવણી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ૩૪ વર્ષથી શકિત ચોક ગરબી મંડળનું અડીખમ આયોજન થઈ રહ્યું છે ત્યારે આ વર્ષે ૩૫માં વર્ષમાં મંગળ પ્રવેશ કરશે તેવું શકિત ચોક ગરબી મંડળના સંચાલક ક્રિપાલસિંહ નવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું ઉપરાંત આ ગરબીમાં છેલ્લા ૧૦ વર્ષથી મુસ્લિમ બાળા હનિફાબેન ઈબ્રાહીમભાઈ ગરબા રમી હિન્દુ-મુસ્લિમ એકતાની પ્રેરણા આપે છે ત્યારે મોર્હરમ અને નવરાત્રીમાં શકિત ચોકથી વાએઝ શરીફ માત્ર દસ ફૂટ દૂર હુશેની ચોકમાં ગુલામે હુશેની કમિટી દ્વારા હાજી સિદ્દીકબાપુ હાજી મદનીમિંયાબાપુ સૈયદ કરબલાની શાનમાં વાએઝ સંભળાવે છે. આમ બંને તહેવારો હળીમળી એકબીજાના સાથસહકારથી વાયેઝ અને ગરબામાં લીંબુ શરબત કોલ્ડ્રીંકસનું વિતરણ કરી કોમી એકતા સાથે તહેવારોની ઉજવણી કરી અન્યો માટે પ્રેરણારૂપ બન્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks