સિવિલ હોસ્પિટલના ૭૦૦થી વધુ રેસિડેન્ટ ડોકટરો હડતાળ પર ઊતર્યા

દર્દીનું  ડોક્ટરની બેદરકારીથી મોત થયાના આક્ષેપ સાથે મહિલા ડોકટર પર હુમલો કરાતા

(સંવાદદાતા દ્વારા)    અમદાવાદ, તા.ર૬

અમદાવાદની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં એક દર્દીનું મૃત્યુ ડૉક્ટરની બેદરકારીને લીધે થયું હોવાનો આક્ષેપ કરી દર્દીના સગાઓએ મહિલા ડૉક્ટર પર હુમલો કરતા સિવિલ હોસ્પિટલના ૭૦૦થી વધુ રેસિડેન્ટ ડૉક્ટરો હડતાળ પર ઉતરી જતાં દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. આવતીકાલથી વી.એસ. હોસ્પિટલ સહિતની અન્ય સરકારી હોસ્પિટલના ડૉક્ટરો હડતાળ પર જાય તેવી શકયતા છે. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સાંજે પાંચ વાગ્યાના સુમારે એક દર્દીને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં હાજર રેસિડેન્ટ ડૉક્ટરોએ તેની સારવાર શરૂ કરી હતી પરંતુ સાંજે સાત વાગે દર્દીનું મોત થયું હતું. આથી તબીબોએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન આઠ વાગ્યાના સુમારે પ૦થી વધુ દર્દીઓના સગાનું ટોળું હોસ્પિટલમાં દોડી આવ્યું હતું અને ડૉક્ટર સામે ગાળાગાળી કરી એક મહિલા રેસિડેન્ટ ડૉક્ટર પર હુમલો કરતાં સામસામે બાથંબાથીના દ્રશ્યો સર્જાયા હતા. આ અંગે રેસિડેન્ટ ડૉક્ટરોનું જણાવવું છે કે, દર્દીની હાલત ખૂબ જ ગંભીર હતી છતાં અમે સારવારમાં પૂરતી તકેદારી દાખવી હતી તેમ છતાં દર્દી બચી શકયો ન હતો. આથી ઉશ્કેરાયેલા દર્દીના સગાઓ ગાળાગાળી અને મારામારી ઉપર ઉતરી આવ્યા હતા. આથી અમે રેસિડેન્ટ ડૉક્ટરોએ હડતાળ પર જવાનું નક્કી કર્યું છે. સિવિલ હોસ્પિટલના ૭૦૦ જેટલા ડૉક્ટરો હડતાળ પર ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું. રેસિડેન્ટ તબીબોના જણાવ્યા અનુસાર સિવિલ હોસ્પિટલ ઉપરાંત વી.એસ.હોસ્પિટલ સહિત અન્ય સરકારી હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટરો પણ આવતીકાલથી હડતાળ પર જશે. ડૉક્ટરો પર હુમલા વધતા જાય છે. તેમની કોઈ સલામતી નથી. દર્દીઓના સગાઓ દ્વારા કરાતા હુમલા સંદર્ભે કાયદો હોવા છતાં કોઈ અમલ થતો ન હોવાથી લોકો બેખોફ બની હુમલા કરી રહ્યા છે. આથી જ્યાં સુધી હુમલાખોરોને પકડી કડકમાં કડક સજા કરવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ સમેટાશે નહીં. દરમ્યાન ડોકટરોની હડતાળને પગલે દર્દીઓની હાલત કફોડી થઈ ગઈ છે આથી કેટલાક  દર્દીઓને તો તેમના સગાઓએ અન્ય હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks