(એજન્સી) બગદાદ, તા.રપ
મોસૂલમાં આઈએસની હાર બાદ અહીં સંતાયેલા આતંકવાદી હવે ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઝડપાઈ ન જાય તે માટે આ આતંકવાદી અનેક પ્રકારની રણનીતિ બનાવી રહ્યા છે. હાલમાં જ ઈરાકી સેનાએ એક આતંકવાદીની ધરપકડ કરી હતી જે મહિલાના વેશમાં ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ઈરાકી સેનાની આંખોમાં ધૂળ નાંખવા માટે આ જેહાદીએ મહિલાની જેમ મેકઅપ કર્યો હતો. કાજલ-લિપસ્ટીક, પાવડર લગાવ્યા હતા. પરંતુ તેનાથી એક ભૂલ થઈ ગઈ હતી કે તેણે પોતાની દાઢી અને મૂંછ મુંડાવી ન હતી જેથી તેનું ષડયંત્ર પકડી પાડવામાં આવ્યું હતું. સૂત્રો મુજબ આ આઈએસ આતંકી મોસૂલમાંથી ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પરંતુ તેની યોજના સફળ થઈ ન હતી. ઈરાકી સેનાએ તેની ધરપકડ કર્યા બાદ તેની તસવીર જારી કરી હતી. તસવીરમાં આતંકવાદીનો ચહેરો મેકઅપવાળો જોઈ શકાય છે. તેણે મહિલાઓની જેમ દેખાવા માટે પોતાના ચહેરા પર કૃત્રિમ તલ પણ લગાડ્યા હતા. આટલી બધી મહેનત કરી હોવા છતાં તે પોતાની દાઢી અને મૂંછ હટાવવાનું ભૂલી ગયો હતો. તેની આ ભૂલ તેના પર ભારે પડી અને ઈરાકી સેનાએ તેને ઝડપી લીધો.