અમદાવાદ,તા.૭
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એનએચએલ મેડિકલ કોલેજના ડીન દ્વારા કરવામાં આવેલી ગેરરીતિ અંગે પગલા લેવા મ્યુનિ. કાઉન્સિલર બદરૂદ્દીન શેખ દ્વારા માગ કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ એનએચએલ મેડિકલ કોલેજના ડીન અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ એક જ વ્યકિત હોવા છતાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (એમસીઆઈ) દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. કર્ણાટકના મૈસુરની એસએસ મેડિકલ કોલેજના ડો. એસ. બાસ્વાગોંડપ્પા અને બેંગ્લુરૂની રાજેશ્વરી મેડિકલ કોલેજના ડીન ડો. એચ. રગપ્પાન પણ આજ રીતે એકથી વધુ હોદ્દા ભોગવતા હોવાથી એમસીઆઈ દ્વારા તેમને હોંદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા. અમદાવાદની એનએચએલ મેડિકલ કોલેજમાં વર્ષ ર૦૧રમાં એમસીઆઈ તરફથી ડો. અશોક કુમારને ઈન્સ્પેકશન માટે મોકલવામાં આવ્યા હતા. તેમણે જોયું કે એક જગ્યાએ ડો. પંજક આર. પટેલને ડીન તરીકે દર્શાવ્યા હતા તો એક જગ્યાએ તેમને ડો.પી.આર. પટેલ તરીકે દર્શાવવામાં આવ્યા હતા અને તેમનો હોદ્દા સુપ્રિન્ટેન્ડન્ટ દર્શાવવામાં આવ્યો હતો. આમ એક જ વ્યકિતને બે અલગ અલગ જગ્યાએ દર્શાવ્યા છતા મેડિકલ કાઉન્સિલે એમએચએલ મેડિકલ કોલેજ સામે કોઈ જ પગલાં લીધા ન હતા. આવી જ રીતે પ્રેમજીભાઈ સોલંકીને ઓડિયો વિજયુએલ ટેકનિશિયન તરીકે દર્શાવ્યા હતા તો એ જ વ્યકિતને બીજી જગ્યાએ વાયરમેન ઈલેકટ્રેશિયન દર્શાવવામાં આવ્યા હતા. ત્રીજા એક કેસમાં મીનાક્ષીબેન પરદેશીને પહેલા મોડેલર અને પછી એ જ વ્યકિતને સાયકિયાટ્રીસ્ટ સોશિયલ વર્કર તરીકે દર્શાવ્યા હતા. આમ મેડિકલ કાઉન્સિલનો આ નિર્ણય કોઈ પણ રીતે ન્યાયસંગત દેખાતો નથી. ઉપરાંત દેહદાન માટે આવતા મૃતદેહનો પણ અહીંયા વેપાર થતો હોવાનું ગુજરાતના બે જાણીતા દૈનિકોમાં અહેવાલ છપાયા હતા. લોકો પોતાના સ્વજનોના મૃતદેહ તબીબી સંશોધન રિસર્ચ માટે એનએચએલ મેડિકલ કોલેજને આપે છે. પરંતુ અહીંયા તો મલ્ટીનેશનલ કંપનીઓને તેમના રીસર્ચ માટે મૃતદેહે લાખો રૂપિયા આપીને સોંપી દેવામાં આવે છે. અથવા તો કોઈ જવાબદાર વ્યકિતને મૃતદેહ વિદેશ મોકલીને મૃતદહ પોતાના ઉપયોગ માટે લઈ લે છે.
ડો. પંકજ પટેલ ૧૩ વખત વિદેશ જઈ આવ્યા હોવાનો આક્ષેપ બદરૂદ્દીન શેખે કર્યો છે. ઉલ્લેખનીય છે કે ઝિમમર કંપની એકાદ વખત વર્કશોપનું આયોજન કરે છે અને બદલામાં તેમના કાડાવેરનો લાભ લે છે. તેઓ ઈમ્પ્લાન્ટ જોઈન્ટસ વગેરેનું માર્કેટીંગ કરે છે. આમ એનએચએલ મેડિકલ કોલેજમાં બે ગેરરીતિઓ જોવા મળી હતી. તેમ છતાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ બેવડા ધોરણ અપનાવ્યા હતા જેને ખરેખર તો સજા થવી જોઈએ તેમને ઈનામ મળ્યું હતું. આથી અમદાવાદ મ્યુ. કોર્પો. દ્વારા સંચાલિત મેટની કથિત ગેરરીતિઓની ઉપરાંત ડોકટર પંકજ પટેલ દ્વારા સર્જીકલના સાધનો અને અન્ય ખરીદી ટેન્ડર વગર કરી તેની તપાસ કરવા અને તેમને તાકીદે પદપરથી દૂર કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.