(એજન્સી) તા.૬
ર૦૧૬માં મરાઠા સમુદાય માટે અનામતની માગણી કરી આંદોલન શરૂ કરનાર મરાઠા ક્રાંતિ મોરચાથી પ્રેરિત થઈને મહારાષ્ટ્રના મુસ્લિમો પણ સપ્ટેમ્બર મહિનામાં પુણેમાં મૌન રેલીઓ આયોજિત કરવા વિશે વિચારણા કરી રહ્યા છે. આ રેલીઓ દ્વારા મુસ્લિમ મહા મૂક મોરચા શિક્ષણમાં અનામત, ટોળા દ્વારા થતી હત્યા વિરૂદ્ધ કાયદો અને ત્રણ તલાક વિરૂદ્ધ કેન્દ્રના પ્રસ્તાવિક કાયદાના સંદર્ભમાં સરકાર પર દબાણ કરશે. મરાઠા ક્રાંતિ મોરચાની જેમ મહિલાઓ મૌન રેલીનું નેતૃત્વ કરશે અને આ રેલીમાં કોઈ નેતા નહીં હોય. મોરચાના કાર્યકારી સભ્યએ કહ્યું હતું કે, ૯ સપ્ટેમ્બરના દિવસે પુણે શહેરમાં મોરચાનું આયોજન થાય તેવી સંભાવના છે તે નોકરીઓ અને શિક્ષણમાં મુસ્લિમો માટે અનામત, ટોળા દ્વારા થતી હત્યા વિરૂદ્ધ કાયદો લાવવાની માગણી કરશે અને ત્રણ તલાક બિલ જેવા કાયદાકીય સાધનો વડે શરિયતમાં દરમિયાનગીરી કરવાનો વિરોધ કરશે તેમજ મસ્જિદના બાંધકામ માટે સરળતાથી પરવાનગી મળે તેની પણ માગણી કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ટોળા દ્વારા થતી હત્યાઓ રોકવા માટે સરકાર ગંભીર નથી અને કેન્દ્રીય મંત્રીઓ આરોપીઓનું સન્માન કરી રહ્યા છે. શિક્ષણમાં મુસ્લિમ અનામત વિશે બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો હોવા છતાં સરકાર તેને આપવા માંગતી નથી. અમને મસ્જિદોના બાંધકામ માટે ઝડપથી મંજૂરી મળે એ પણ જરૂરી છે કારણ કે રસ્તા પર નમાઝ પઢવાનો વિરોધ કરવામાં આવે છે. કાર્યકારી સમિતિના સભ્યએ કહ્યું હતું કે અમે સમગ્ર મહારાષ્ટ્રમાં વિરોધ પ્રદર્શનો થાય તે માટેનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે. સમુદાય અન્ય વિસ્તારોમાં પણ આનું અનુકરણ કરશે.