(એજન્સી) કાબુલ, તા.૨
ગુરૂવારે કાબુલમાં આતંકીઓએ એક ભારતીય સહિત ૩ વિદેશીઓનું અપહરણ કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. આ ૩ મૃતકો કાબુલમાં આવેલી આંતરરાષ્ટ્રીય ફૂડ કંપની સોડેક્સોમાં કૂક તરીકે કામ કરતા હતાં. સોડેક્સો કંપનીએ વિશ્વની બીજી સૌથી મોટી ફૂડ અને કેટરિંગ માટેની કંપની છે. તેમ વરિષ્ઠ રાજદૂત અને અફઘાની સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું.
કાબુલની પોલીસના વડાના પ્રવક્તા, હશ્મત સ્ટાનેક્ઝીએ જણાવ્યું કે, “એક ભારતીય, એક મલેશિયન અને એક મેક્ડોનીયન નાગરિકનું અપહરણ કરી તેઓને મારી નાખવામાં આવ્યા છે. અમને તેમના મૃતદેહો મળી આવ્યા છે.”
તાજેતરના વર્ષોમાં અફઘાનિસ્તાનમાં અપહરણના કેસો એ મુખ્ય સમસ્યા બની ગઈ છે. ખંડણી માટે કરવામાં આવેલા અપહરણની સીધી જ અસર અફઘાનો પર પડે છે. અપહરણકારો, ગુનેગારો અને આતંકી જૂથો દ્વારા ખંડણી માટે માત્ર અફઘાનોને જ નહીં પરંતુ વિદેશીઓને પણ નિશાન બનાવવામાં આવે છે. અહીં ૬૪ જેટલા મલેશિયન નાગરિકો, ૩૯ ભારતીયો અને ૩૭ જેટલા મેક્ડોનીયન નાગરિકો સ્થાનિક ડ્રાઈવર સાથે મુસાફરી કરી રહ્યાં હતાં.
અફઘાની સુરક્ષાના અધિકારીઓએ જણાવ્યું કે, તેમની ઓળખ તેમના મૃતદેહો પાસેથી મળી આવેલ ઓળખપત્રો દ્વારા થઈ છે, સોડેક્સો કંપની દ્વારા તેમની ઓળખની પુષ્ટિ કરવામાં આવી છે. જો કે, કંપની દ્વારા આ અંગે તાત્કાલિક ધોરણે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.