(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩૧
નવસારી પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે બાતમીના આધારે વિજલપોર રેવાનગરમાં રહેતાં એક એમપીના શખ્સને દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે બે એમપીના શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે અને રૂા.૧૫ હજારના દેશી ત્રણ તમંચા અને એક કારતૂસ કબજે કયું છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી પેરોલ ફર્લો સ્કવોર્ડ પોલીસને બાતમી મળી હતી કે વિજલપોરમાં રેવાનગર ખાતે રહેતો એક શખ્સ ઘેલખડીથી વિઠ્ઠલ મંદિર તરફ આવનાર છે અને તેની પાસે ત્રણ દેશી હાથ બનાવટના તમંચા છે અને કારતૂસ છે. આથી પેરોલ ફર્લો સ્કવોર્ડ પોલીસે વિજલપોર વિઠ્ઠલ મંદિર પાસે વોચ ગોઠવી હતી. દરમ્યાન પ્રકાશ ઉર્ફે પ્રિતમ ડુંગરીયા અવાસીયા (રહે. વિજલપોર, રેવાનગર, મૂળ રહે. એમ.પી. અલીરાજપુર છોડીબેગલની) અટકાયત કરી હતી. તપાસ કરતા તેના કબજામાંથી ત્રણ નંગ દેશી હાથ બનાવટના તમંચો પિસ્તોલ અને એક કારતૂસ મળી આવ્યું હતું. પોલીસે આરોપી પ્રકાશ અવાસીયાની ધરપકડ કરી હતી. તમંચા અંગે પૂછપરછ કરતા તેણે આ તમંચાઓ એમપીના અલીરાજપુર જિલ્લાના સોનગઢ તાલુકાના ચેનસિંગ અને રાકેશ નામના શખ્સ પાસેથી લઈ આવ્યો હોવાની કબુલાત કરી હતી. આ બનાવ અંગે વિજલપોર પોલીસમાં પ્રકાશ ડુંગરીયા અવાસીયા અને તેનાબે સાગરીતો વિરૂદ્ધ પોલીસે આર્મ્સ એક્ટનો ગુનો નોંધી વધુ તપાસ એલસીબીના પીએસઆઈ બી.એલ. રાયઝાદા કરી રહ્યાં છે.