(એજન્સી) તા.ર૯
મધ્યપ્રદેશના મંદસૌરમાં આઠ વર્ષની બાળકી સાથે બળાત્કારના કેસમાં મુખ્યમંત્રી શિવરાજસિંહે કહ્યું હતું કે, આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને અમારી બાળકીની તબિયત સારી થઈ રહી છે પરંતુ આરોપીને માફ નહીં કરવામાં આવે. પોલીસ પ્રાથમિકતાના આધારે કામ કરશે અને પ્રયત્ન કરશે કે આરોપીને મૃત્યુદંડની સજા થાય. મેં પોતે આ કેસમાં વાત કરી છે. હાઈકોર્ટના આદેશ પર આ પ્રકારના કેસો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટનું ગઠન કરવામાં આવ્યું છે. અમે સંપૂર્ણ પ્રયત્નો કરીશું કે આરોપીને મૃત્યુદંડની સજા થાય. આ પ્રકારના રાક્ષસને ધરતી પર રહેવાનો અધિકાર નથી. ઉલ્લેખનીય છે કે, આઠ વર્ષની બાળકી સાથેના બળાત્કાર કેસમાં હૃદયદ્રાવક વાસ્તવિકતા સામે આવી છે. આ ઘટનાની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે. તેમ તેમ નિર્ભયા કાંડની વાત તાજી થઈ રહી છે. આરોપી ઈરફાને બાળકી સાથે બળાત્કાર કરવા ઉપરાંત તે માસૂમના ગુપ્તાંગમાં સળિયો અથવા લાકડી જેવી વસ્તુ નાંખી દીધી હતી. એક સમાચારપત્રના અહેવાલ મુજબ સળિયો ઘૂસાડવાથી બાળકીના આંતરડા બહાર આવી ગયા હતા. ઈન્દૌરના એમવાયએચ હોસ્પિટલમાં ત્રણ કલાક ચાલેલી જટિલ શસ્ત્રક્રિયા પછી બાળકીની જાન બચાવવામાં આવી હતી. એમવાયએચ હોસ્પિટલના બાળ શસ્ત્રક્રિયા વિભાગના પ્રમુખ બ્રજેશ લાહોટીએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે કાલે રાત્રે બાળકી પર શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. હાલમાં બાળકી ભયમુક્ત છે. તેમણે જણાવ્યું કે તેના ઘા ગંભીર છે અને તેમને સારા થવામાં સમય લાગશે. મંદસૌર પોલીસે જણાવ્યું હતું કે એક ખાનગી શાળાના ત્રીજા ધોરણમાં ભણતી આ બાળકી ગુમ થયા વિશેની ફરિયાદ અમને મળી હતી. ર૬ જૂન બુધવારની સાંજે પોલીસ તપાસ દરમિયાન શહેરના બસ સ્ટેન્ડ નજીક લક્ષ્મણ દરવાજાની ઝાડીઓમાં ઘાયલ અવસ્થામાં મળી હતી. આ બાળકી મંગળવારે સાંજે શાળા છૂટયા પછી ગુમ થઈ હતી. પોલીસ વડા મનોજકુમારસિંહે પત્રકારોને જણાવ્યું હતું કે ર૦ વર્ષીય આરોપી ઈરફાને પૂછપરછ દરમિયાન તેનો ગુનો કબૂલી લીધો છે. બાળકી સાથે થયેલી આ હેવાનિયતના વિરોધમાં મુસ્લિમ સમુદાયના લોકો ગુરૂવારે સડકો પર ઉતરી આવ્યા હતા. મુસ્લિમ સમુદાયના નેતાઓએ કહ્યું હતું કે આવા હેવાન માણસ માટે મુસ્લિમ સમાજમાં કોઈ સ્થાન નથી અને તેને વહેલામાં વહેલી તકે ફાંસી મળવી જોઈએ. વકફ અંજુમન ઈસ્લામ કમિટીના પ્રમુખ મોહમ્મદ યુનુસ શેખે કહ્યું હતું કે આરોપી યુવકના શબને દફનાવવા માટે શહેરના કોઈપણ કબ્રસ્તાનમાં જગ્યા મળશે નહીં.