(એજન્સી) તા.૩૦
રાજધાની દિલ્હીના બુરાડીમાં એક જ પરિવારના ૧૧ સભ્યોના મૃત્યુને હજી એક મહિનો પણ નથી થયો કે ઝારખંડમાં આ પ્રકારની એક અન્ય ઘટના સામને આવી છે. અહીંના કાંકે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બોડ્યામાં એક કોલ્ડ સ્ટોરેજની પાસે એક જ પરિવારના સાત લોકોના મૃતદેહો રહસ્યમય સ્થિતિમાં મળ્યા હતા. આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં હાહાકાર ફેલાઈ ગયો હતો. પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી હતી. જાણકારી પ્રમાણે આ પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો અને તેમાં સાત સભ્યો હતા. પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હતી અને તેમણે ચાર મહિનાથી ઘરનું ભાડું પણ ચૂકવ્યું ન હતું. આ પરિવારના મોભીનું નામ દીપક ઝા હતું. મૃતકોમાં દીપક ઝા (ઉ.વ.૪પ), તેની પત્ની પિંકી ઝા (ઉ.વ.૪૦), દીપકનો નાનો ભાઈ રૂપેશ (ઉ.વ.૩૦), દીપકની દીકરી દૃષ્ટિ (ઉ.વ.પ), દીકરો જંગૂ (ઉ.વ.૧.પ) અને વૃદ્ધ માતા-પિતા સામેલ હતા. દીપક અને રૂપેશના મૃતદેહો ફાંસી પર લટકેલા મળ્યા હતા.