(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૧
ગુજરાત સરકારે અનુસૂચિત જાતિ અને જનજાતિના એમએસએમઈ (સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના) ઉદ્યોગોના ઉત્કર્ષ માટે ડો. બાબાસાહેબ આંબેડકર ઉદ્યોગ ઉદય યોજના જાહેર કરી છે. આ યોજના અંતર્ગત એમએસએમઈ ઉદ્યોગોના વિકાસ માટે મૂડી રોકાણથી લઈને વ્યાજ સહાય સહિતની વિવિધ વ્યવસ્થા ડેવલપમેન્ટ માટે મહત્તમ રૂા.પ૦ લાખ સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.
સરકારની ઔદ્યોગિક નીતિ અંતર્ગત રાજયના અનુસૂચિત જાતિ અને જનજાતિના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોકારો માટે જાહેર કરાયેલી આ ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકર ઉદ્યોગ ઉદય યોજના હેઠળ આર.બી.આઈ. દ્વારા માન્ય નાણાકીય સંસ્થા કે બેન્ક પાસેથી ધિરાણ (ટર્મલોન) મેળવ્યું હોય તેવા ઉત્પાદન કરતા એમએસએમઈ એકમોને કેપિટલ સહાય યોજના હેઠળ રોકડ સહાય મળવા પાત્ર થાય છે. જેમાં મહાપાલિકા વિસ્તાર માટે પ્લાન્ટ અને મશિનરીમાં રૂા.પ૦ લાખથી રૂા.૧૦ કરોડ સુધીનું મૂડી રોકાણ ધરાવતા એકમોને ૧૦ ટકાથી ર૦ ટકાના ધોરણે મહત્તમ રૂા.રપ લાખ તેમજ મહાપાલિકા સિવાયના વિસ્તાર માટે ૧પ થી રપ ટકાના ધોરણે મહત્તમ રૂા.૩પ લાખની રોકડ સહાય, વ્યાજ સહાય યોજના અંતર્ગત મેન્યુફેકચરીંગ એકમોને મહાપાલિકા વિસ્તાર માટે વ્યાજ સહાય છ ટકા લેખે પ્રતિવર્ષ પાંચ વર્ષ સુધી રૂા. રપ લાખ યુવા ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવા વધારાની એક ટકા લેખે મહત્તમ ૭ ટકા વ્યાજ સહાય જયારે મહાપાલિકા વિસ્તાર સિવાયના વિસ્તાર માટે વ્યાજ સહાય આઠ ટકા લેખે પ્રતિ વર્ષ પાંચ વર્ષ સુધી રૂા. ૩૦ લાખ અને યુવા ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવા વધારાની એક ટકા લેખે મહત્તમ ૯ ટકા વ્યાજ સહાય આપવામાં આવે છે આ ઉપરાંત સર્વિસ એમએસએમઈ એકમોને છ ટકા વ્યાજ સહાય પ્રતિવર્ષ પાંચ વર્ષ સુધી રૂા.રપ લાખ સુધીની મર્યાદામાં આપવામાં આવે છે.
ટેકનોલોજી એકવિઝેશન માટે પ્લાન્ટ અને મશીનરીમાં રૂા.પ૦ લાખથી રૂા.૧૦ કરોડ સુધીનું મૂડી રોકાણ ધરાવતા એકમોને કરેલ કુલ ખર્ચના પ૦ ટકાથી ૭પ ટકા લેખે મહત્તમ રૂા.પ૦ લાખની સહાય ઉપરાંત એટલું જ રોકાણ ધરાવતા એસએમઈ એકમોને એસએમઈ એકસચેન્જ મારફત કેપિટલ વધારાવા કુલ ખર્ચના ર૦થી ૩૦ ટકા લેખે રૂા. પ લાખની મર્યાદામાં સહાય કરવામાં આવે છે. એ જ રીતે વીજળી જોડાણ માટે પાત્રતા ધરાવતા એકમોને એલટી/એચટી સર્વિસ લાઈન માટે ડિસ્ટ્રીબ્યુશન લાઈસન્સને ચુકવાતા ચાર્જિસ માટે કરેલા ખર્ચના રપ ટકાથી ૬૦ ટકા લેખે મહત્તમ રૂા.પ લાખની સહાય અપાય છે. આ ઉપરાંત અન્ય ક્ષેત્રે પણ નાણાકીય સહાય આપવામાં આવે છે.