Ahmedabad

મુખ્યમંત્રી રૂપાણી અને ભાજપ પ્રમુખ વાઘાણી રબર સ્ટેમ્પ જેવા છે : કોંગ્રેસ

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૭
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હોઈ ભાજપ-કોંગ્રેસ દ્વારા સામસામે એકબીજા પર આક્ષેપો કરી આકરા પ્રહારો કરવાનો સિલસિલો વધુ વેગથી શરૂ થઈ ગયો છે. આજે દ.ગુજરાતમાં ભાજપના એક કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા, તો તેના જવાબમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે વળતા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી માત્ર રબર સ્ટેમ્પ જેવા જ છે અને તેના કારણે અમિત શાહને ગુજરાતમાં આવી સભાઓ કરવી પડે છે. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આજે વલસાડ, ડાંગ, નવસારી કોંગ્રેસ દ્વારા “કોંગ્રેસ આવે છે” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પ્રભારીમંત્રી અશોક ગહેલોત હાજર હતા. આ પ્રસંગે ગેહલોતે કહ્યું હતું કે કોંગ્રેસે દેશના વિકાસમાં જે યોગદાન આપ્યું છે તેનાથી જ દેશનો વિકાસ થયો છે અને એ વિકાસના રૂપમાં જ આગળ પણ કામ કરવાનું છે. અમિત શાહે આજે ગુજરાતમાં આવવું પડ્યું છે કેમ કે તેમના મતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જીતુભાઇ માત્ર રબ્બર સ્ટેમ્પ જેવા જ છે જેવા આક્ષેપો પ્રદેશ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યાં હતાં. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જંગલની જમીન આદિવાસીભાઇઓને આપવાને બદલે ભાજપની સરકારે ઉદ્યોગપતિઓને આપી દીધી છે. ભાજપાએ કોંગ્રેસ હસ્તકની જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટ નહીં ફાળવવાના કાયદા બનાવ્યા છે. તે માટે કોંગ્રેસ આગામી દિવસોમાં કોર્ટમાં જવાની છે. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ખેડૂતોના દેવાં માફ કર્યા છે ત્યારે ગુજરાતમાં ભાજપા સરકાર દેવાં માફ કરતી નથી ને ઉદ્યોગપતિઓની લોન માફ કરે છે આ સાથે તેમણે બૂથને મજબુત કરવાના કામમાં લાગી જવા કાર્યકરોને આહ્વાન પણ કર્યું હતું. બીજેપી માર્કેટીંગ કરીને સત્તામાં આવી છે તેમનું કામ માત્ર માર્કેટિંગ કરવાનું જ રહ્યું છે. દેશમાં રોજગારી ઘટી છે, ભ્રષ્ટાચાર વધ્યો છે. કોંગ્રેસના ઇંદિરા ગાંધી, રાજીવગાંધીએ દેશ માટે શહીદી વહોરી છે તે યાદ રાખવાનું છે. જનતા પણ હવે ભાજપ સરકારને નકામી સરકાર ગણી રહી છે. પ્રજામાં કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસ જગાવવાનો છે. ત્યારે આગામી સત્તા કોંગ્રેસની આવે તે માટે દરેક કાર્યકરોને કામ કરવા આહવાન કર્યુ હતું.