ભોપાલ, તા. ૩૧
વિદિશા જિલ્લાના કાગપુરમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના એક કાર્યક્રમ દરમિયાન મોટો ટ્રાફિક જામ લાગી ગયો હતો. આ રેલીમાં બસ લઇને વિદિશા પહોંચેલા એક બસ કર્મચારીને ગંભીર ઇજા થઇ હતી. ટ્રાફિકને પગલે ઘટનાસ્થળથી ૧૫ મિનિટ દૂર આવેલી હોસ્પિટલ લઇ જવા માટે તેને ત્રણ કલાક લાગ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં મોડેથી પહોંચતા ભોપાલના ગાંધીનગરમાં રહેતા સાજીદઅલીનું મોત થયું હતું. સાજીદ બસનો ક્લિનર હતો અને રેલી માટે ભાજર કાર્યકરોને લઇ કાગપુર પહોંચ્યો હતો. આ ઘટનાને નજરે જોનારા સાક્ષીઓએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના પ્રવાસને લીધે લાગેલા ટ્રાફિક જામને કારણે સાજીદને સમયસર હોસ્પિટલ પહોંચાડી શકાયો નહોતો. જો તેની સમયસર સારવાર શરૂ થઇ ગઇ હોત તો તે બચી ગયો હોત. હોસ્પિટલના બ્લોક મેડીકલ અધિકારી નીતુસિંહે જણાવ્યું હતું કે, હોસ્પિટલ લાવવાના ત્રણ કલાક પહેલા જ સાજીદનું મોત થઇ ગયું હતું. ઘટનાસ્થળેથી દર્દીનો લાવવામાં ૧૫ મિનિટ લાગે પરંતુ તેને લાવવામાં ત્રણ કલાક થયા. ઘટના બાદ સરકારે સાજીદના પરિવારને બે લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી હતી.