કોલકાતા, તા. ૨૫
મુખ્યમંત્રી મમતા બેનરજીએ મહિનાઓ વીત્યા છતાં મૌન જાળવી રાખવાનો આરોપ મુકતા વરિષ્ઠ તૃણમુલ કોંગ્રેસના નેતા તથા રાજ્યસભાના સાંસદ મુકુલ રોયે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. પક્ષના ઓલ ઇન્ડિયા જનરલ સેક્રેટરી મુકુલ રોય મમતા બેનરજી બાદ પાર્ટીમાં બીજા નંબરના નેતા મનાય છે. તેમણે જણાવ્યું કે, તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને ૩૦મી સપ્ટેમ્બરે દુર્ગા પુજા સમાપ્ત થયા બાદ રાજ્યસભાના સાંસદ તરીકે પણ રાજીનામું આપી દેશે. ૬૩ વર્ષના સાંસદે જણાવ્યું હતું કે, હું ભારે મને અને દુઃખ સાથે આ જાહેરાત કરી રહ્યો છું. ૧૭મી ડિસેમ્બર ૧૯૯૭માં પાર્ટીને સ્થાપવામાં મેં મદદ કરી હતી. મુકુલ રોયે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, મારૂ લક્ષ્યાંક આ ચૂંટણીઓમાં પક્ષને ૨૫૦ બેઠકો અપાવવાનો હતો. ગત ચૂંટણીમાં મમતા બેનરજી સરકારે રાજ્યમાં ૨૧૧ બેઠકો મેળવી પ્રચંડ જીત મેળવી હતી. આ અંગે રોયે જણાવ્યું હતું કે, મમતા બેનરજી લોકોને રેલીઓ સુધી ખેંચી લાવતા હતા જ્યારે હું તેમના માટે મતો અંકે કરતો હતો.
કરોડોના શારદા ચીટ ફંડ કેસમાં સીબીઆઇની તપાસ હેઠળ નામ આવતા રોયને ૨૦૧૫માં પક્ષના મહાસચિવ પદેથી હટાવી દેવાયા હતા. તેઓ ભાજપના નેતાઓ સાથે સંબંધ ધરાવતા હોવાના અહેવાલ મમતા બેનરજી પાસે પહોંચતા તેમને કોરણે મુકી દેવાયા હતા. કોલકાતામાં એક પત્રકાર પરિષદમાં રોયે જણાવ્યું હતું કે, પાર્ટીમા કાર્યકારિણી સમિતિમાંથી બહાર થવાના નિર્ણય અંગે મેં ઇમેલ કરી જાણ કરી દીધી છે. દુર્ગા પુજા બાદ રાજ્યસભામાંથી પણ રાજીનામું આપી દઇશ. નીચલા ગૃહમાં મારો કાર્યકાળ પુરો થવામાં હજુ આઠ મહિના જેવો સમય બાકી છે. દુર્ગા પુજા બાદ હું પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામું આપી દઇશ. મુખ્યમંત્રી મમતા બેનરજીની સતત અવગણના કરાયા બાદ રોયે આ નિર્ણય લીધો હોવાનું મનાય છે. રોયે જણાવ્યું કે તેઓ હાલ પુજામાં વ્યસ્ત છે તેથી તેઓ બાદમાં આ અંગેના કારણઓ જણાવશે. ૨૦મી સપ્ટેમ્બરે રોયે ઝેડ સિક્યુરિટી લેવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. શારદા કૌભાંડ અંગે મુખ્યમંત્રી વિરૂદ્ધ બોલવા બદલ પાર્ટીમાંથી કાઢી મુકાયેલા રાજ્યસભાન સાંસદ કુણાલ ઘોષ સાથે રવિવારે રોયે દુર્ગા પુજાની શરૂઆત કરી હતી.