(એજન્સી) તા.૨૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાન સાથે મુલાકાત કરી હતી. તેમની આ મુલાકાત બ્રિક્સ સંમેલન પૂરું થયા બાદ થઈ હતી. આ બેઠક બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાન સાથેની મુલાકાત અદભુત રહી હતી. આ બેઠકમાં ભારત અને તુર્કી વચ્ચે અનેક ક્ષેત્રોમાં સહયોગ મુદ્દે ચર્ચા થઇ હતી. મોદીએ આ બેઠક અંગે કહ્યું કે મેં એર્દોગાન સાથે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને તેનો લાભ બંને દેશોના નાગરિકોને મળે તે મુદ્દા અંગે ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ આ બેઠક દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિ પદે સતત બીજીવાર ચૂંટાઈ આવવા બદલ એર્દોગાનને શુભેચ્છા પણ પાઠવી હતી. તેઓએ પ્રથમ રાઉન્ડમાં જ વિજય મેળવી લીધો હતો. મોદીએ એર્દોગાન સાથેની બેઠક બાદ ટિ્વટ કરતાં કહ્યું હતું કે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાન સાથે એક અદભુત મુલાકાત. અમારી આ મુલાકાતમાં ભારત-તુર્કી વચ્ચેના અનેક ક્ષેત્રોમાં સહયોગ અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અંગે ચર્ચા થઇ હતી. તેનો લાભ નાગરિકોને અપાવવા માટે અમે ચર્ચા કરી હતી. જોકે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પણ ટિ્વટ કરીને વડાપ્રધાન મોદી અને એર્દોગાનની તસવીર જાહેર કરી હતી. તેમણે ટિ્વટ કરીને કહ્યું કે વડાપ્રધાન મોદી એર્દોગાનને જ્હોનિસબર્ગમાં મળ્યા હતા. તેઓએ ૨૦૧૮ના બ્રિક્સ સમિટ બાદ આ બેઠક કરી હતી. વડાપ્રધાને આ દરમિયાન એર્દોગાનને ફરી રાષ્ટ્રપતિ પદે ચૂંટાવા બદલ શુભેચ્છા પાઠવી હતી. નોંધનીય છે કે તેના પહેલા વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સાથે પણ બેઠક કરી હતી અને તેમની સાથે દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા કરી હતી. જોકે મોદીએ આર્જેન્ટિના અને અંગોલાના રાષ્ટ્રપતિઓ સાથે પણ બેઠક કરી હતી.