નવી દિલ્હી તા. ૧૬
યુપી વિધાનસભાની ચૂંટણી પૂર્વે સમાજવાદી પાર્ટીની વર્ચસ્વની લડાઈમાં અખિલેશ છાવણીએ જીત હાંસલ કરી છે. સોમવારે ચૂંટણી પંચે અખિલેશ છાવણીની તરફેણમાં ચુકાદો આપતાં સમાજવાદી પાર્ટીનું નિશાન સાઈકલ અખિલેશને સોંપી દીધું છે. ચૂંટણી પંચે એવો પણ ચુકાદો આપ્યો કે સમાજવાદી પાર્ટીનું નામ પણ અખિલેશની પાસે જ રહેશે. ચૂંટણી પંચે એવું જણાવ્યું કે રામગોપાલની અરજીમાં ૩૧ રાષ્ટ્રીય કારોબારીના સભ્યો, ૫૨૪૨ પાર્ટીના પ્રતિનિધિઓ, ૧૯૫ ધારાસભ્યો, ૪૮ એમએલસીના હસ્તાક્ષર હતા. ચાર લોકસભાના સાંસદો અને ૧૧ રાજ્યસભાના સાંસદોના પણ હસ્તાક્ષર હતા. પહેલી જાન્યુઆરીના દિવસે લડાઈની શરૂઆત થઈ હતી. પંચને લઈને ચાલી રહેલી હિલચાલ વચ્ચે એમ માનવામાં આવે છે કે આગામી દિવસોમાં પણ અખિલેશ છાવણીની જીત રહેશે. ચૂંટણી પંચના આ નિર્ણયથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે અખિલેશ યાદવ સાઈકલના પ્રતિક સાથે વિધાનસભાની ચૂંટણીમાં ઉતરશે. મુખ્યમંત્રી અખિલેશ યાદવ પોતાના કાકા શિવપાલ યાદવની સાથે શું કરે છે તે બાબત મહત્વપૂર્ણ રહેશે. શિવપાલે થોડાક દિવસ પહેલા જ પાર્ટીમાં આંતરિક ખેંચતાણના કારણે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડની વિધાનસભા ચૂંટણી પહેલા કેટલાક ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી હતી. નસીમ જેદીના નેતૃત્વમાં ત્રણ સભ્યોના ચૂંટણી પંચે ૧૩મી જાન્યુઆરીના દિવસે બંને પક્ષોની સુનાવણી કર્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. પાર્ટીના સભ્યો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવેલા દસ્તાવેજોની ચકાસણી પંચ દ્વારા કરવામાં આવી હતી. પાર્ટીના યુવા નેતાની પાર્ટીના સભ્યો દ્વારા તરફેણ કરવામાં આવી હતી. ચૂંટણી પંચે કહ્યું હતું કે અખિલેશ યાદવના નેતૃત્વમાં ગ્રુપ સમાજવાદી પાર્ટી છે અને તે સાઈકલ પ્રતિકનો ઉપયોગ કરવા માટે લાયક છે. એવી કબુલાત પણ કરવામાં આવી હતી કે અખિલેશ યાદવ જ સમાજવાદી પાર્ટીના પ્રમુખ તરીકે છે. પહેલી જાન્યુઆરીના દિવસે બોલાવવામાં આવેલા કાર્યક્રમમાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે મુખ્યમંત્રી અખિલેશ યાદવની ચૂંટણી બાદથી પાર્ટી પ્રતિકને લઈને વિવાદ છેડાઈ ગયો હતો અને આ વિવાદ હજુ જારી રહ્યો છે. સામ સામે આક્ષેપબાજી અને એફિડેવિટનો દોર ચાલ્યો હતો. હોદ્દેદારો, સાંસદો, ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખો દ્વારા જુદા જુદા દાવા કરવામાં આવ્યા હતા પરંતુ મોટાભાગની બહુમતી મુખ્યમંત્રીની તરફેણમાં દેખાઈ હતી. જેથી સાઈકલ પ્રતિક આખરે અખિલેશને આપવામાં આવ્યું છે. અખિલેશને સાઈકલનું નિશાન મળ્યું હોવાથી મુલાયમ પાસે કયા વિકલ્પો ઉપલબ્ધ છે તેવો સવાલ છેડાઈ રહ્યો છે. હાલમાં સૌથી વધારે જે વિકલ્પની ચર્ચા છેડાઈ રહી છે તે એ છે કે મુલાયમે પુત્ર અખિલેશ સાથે સમાધાન કરી લેવું જોઈએ. પુત્ર સામેની લડાઈમાં હાર મળતા મુલાયમે કહ્યું, અખિલેશ મુસ્લિમો પ્રત્યે નકારાત્મક અભિગમ ધરાવે છે અને જો નહિં માને તો તેની સામે ચૂંટણી લડીશ.