(એજન્સી) મુંબઈ, તા.ર૯
યુ.વાય.એવિએશનના અનુભવી પાયલટ અને મીરા રોડના નિવાસી ૪૮ વર્ષીય મારિયાએ પોતાની યોગ્ય સમજથી જાનહાનિને ટાળવા વિમાનનું ખાલી જગ્યા ઉતરાણ કરવાનો પ્રયત્ન કર્યો અને લોકોનો જીવ બચાવતા તેમણે પોતાનો જીવ ગુમાવ્યો. મારિયાની એક પુત્રી છે જે ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે.
વિમાન ઘાટકો પરના સર્વોદયનગરમાં પૃથ્વી રિએલ્ટીઝ નામની બાંધકામ હેઠળની ઈમારત પર પડ્યું. સ્વાભાવિકપણે આ અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના લોકો ભયભીત થઈ ગયા હતા. વિમાન ક્રેશ થયું ત્યારે પ૦થી વધુ મજૂરો બપોરનું વાળું કરી રહ્યા હતા. અકસ્માતમાં મૃત્યુનો ભોગ બનેલ મારિયા જુબેરી ઈલાહાબાદના રહેવાસી હતા. પરિજનોનો દાવો છે કે મારિયા દેશના પ્રથમ મુસ્લિમ મહિલા પાયલટ હતા. મારિયાની પુત્રીએ ઘટનાના એક દિવસ પહેલાં જ મુંબઈમાં યોજાયેલ ક્વિઝમાં સુવર્ણચંદ્રક મેળવ્યું હતું. પુત્રીની આ ઉપલબ્ધિથી પ્રસન્ન મારિયાએ આગામી અઠવાડિયે પરિજનો સાથે ઉજાણીની યોજના બનાવી હતી. મારિયાના મૃત્યુના સમાચારથી ઈલાહાબાદમાં માત્ર પરિજનો જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે.
માતા-પિતા તેમજ પરિવાર મુંબઈ પહોંચી તેણીનો ત્યાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ઈલાહાબાદના રાની મંડી વિસ્તારમાં સાધારણ પરિવારમાં જન્મેલ મારિયાએ બાળપણથી જ પાયલટ બનવાનું સ્વપ્ન જોયું હતું અને કઠોર પરિશ્રમ તેમજ એકાગ્રતાથી આ સ્વપ્ન સાકાર પણ કર્યું. જો કે તેમને એ ખ્યાલ નહીં હોય કે પાયલટ બનવાની તેમની જીદ જ એક દિવસ તેમના મૃત્યુનું કારણ બનશે.
મારિયાના પિતા ઈકબાલ હસન જુબેરી વ્યવસાયે તબીબ છે. ત્ર બહનો અને એક ભાઈમાં સૌથી પુખ્ત હોવાથી મારિયા સૌના પ્રિય હતા. માતા ફરીદા તેમજ અન્ય સંબંધીઓ તેણીને તબીબી બનાવવા માંગતા હતા પરંતુ તેમણે પોતાની પાયલટ બનવાની જીદ છોડી નહીં. બાળપણથી જ વિમાન પસાર થવાનો અવાજ સાંભળી તે ધાબા પર દોડી જતા. મારિયાએ ઈલાહાબાદની ક્રાસ્થવેટ ગર્લ્સ કોલેજ, સેંટ મેરી કોલેજ અને ઈલાહાબાદ સેન્ટ્રલ યુનિ.માંથી અભ્યાસ પૂરો કર્યા બાદ રાયબરેલી ઈન્દિરા ગાંધી ઉડ્ડયન સંસ્થામાંથી પાયલટની તાલીમ મેળવી.
પાયલટ બન્યા બાદ તેણીએ અનેક ખાનગી ઉડ્ડયન કંપનીઓમાં કામ કર્યું. મારિયાની ઉપલબ્ધિ અંગે તમામ આંતરરાષ્ટ્રીય મેગેઝીનમાં અહેવાલો છપાઈ ચૂક્યા છે. મારિયાના લગ્ન લગભગ ૧૭ વર્ષ પહેલાં રાયબરેલીના આમિર રીઝવી સાથે થયા બાદ તેઓ મુંબઈ સ્થાયી થયા હતા. મારિયાની પંદર વર્ષની પુત્રી બેલા જુબેરીએ આ વર્ષે દસમાં ધોરણની પરીક્ષા પાસ કરી છે.પરિજનો અને પાડોશીઓ મુજબ મારિયા પોતાની સકારાત્મક વિચારસરણીને કારણે તેઓ અનેક યુવતીઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. સમાજને મારિયા જેવા બહાદૂર મહિલા આદર્શની તાતી જરૂરિયાત છે.
ગુરૂવારે વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલ પાયલટના પતિએ પત્નીના મૃત્યુ માટે એવિએશન કંપનીને જવાબદાર ગણાવી
(એજન્સી) મુંબઈ, તા.ર૯
ગુરૂવારે મુંબઈ ચાર્ટર્ડ પ્લેન અકસ્માતમાં મૃત્યુ પામેલ પાયલટ મારિયાના પતિએ કંપની યુ.વી. એવિએશનને જવાબદાર ગણાવ્યું છે. આ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોમાં સમગ્ર ક્રૂનો સમાવેશ થાય છે. વિમાનમાં સવાર પાયલટ પ્રદિપ રાજપૂત અને મારિયા ઝુબેર, ઈજનેર સુરભી અને એક ટેકનિશીયન મૃત્યુ પામ્યા છે. મારિયાના પતિ પી. કુઠારિયાએ આરોપ મૂક્યો કે, કંપનીએ વિપરીત હવામાન છતાં ઉડ્ડયનની ફરજ પાડી હતી. તેમણે કહ્યું કે આ અકસ્માત ટાળી શકાત. મારિયાએ જણાવ્યું હતું કે ખરાબ હવામાનને કારણે ઉડ્ડયન થઈ શકશે નહીં. આ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત માટે એવિએશન કંપની જવાબદાર છે. આ અકસ્માત બાદ મુખ્ય માહિતી સચિવ અવનીશ અવસ્તીએ કહ્યું હતું કે સરકાર દ્વારા આ એરક્રાફ્ટ મુંંબઈની યુ.વી. એવિએશનને તે અલ્હાબાદમાં અકસ્માતનો ભોગ બન્યો ત્યારબાદ વેચવામાં આવ્યો હતો. આ વિમાન ર૦૦૮માં અકસ્માતનો ભોગ બન્યા બાદ ર૦૧૩માં તેને ભંગાર તરીકે વેચવામાં આવ્યું હતું. જે અંગે યુ.પી. સરકારે દસ્તાવેજ રજૂ કર્યા છે. એરક્રાફ્ટનું બ્લેક બોક્સ કબજે કરાયું છે અને આ અંગે એએઆઈબી વિસ્તૃત તપાસ કરશે.
મુંબઈ વિમાન દુર્ઘટનામાં ૪૦ કામદારોનો આબાદ બચાવ
(એજન્સી) મુંબઈ, તા.ર૯
મુંબઈના ઘટકોપરમાં થયેલ ભયંકર વિમાન અકસ્માતમાં ૪૦ મજૂરોનો આબાદ બચાવ થયો હતો. બાંધકામ હેઠળ ઈમારત પર વિમાન તૂટી પડવાની કેટલીક મિનિટો પહેલાં જ મજૂરો બપોરના ભોજન માટે ઈમારત બહાર નીકળી ગયા હતા. મજૂરો વાળુ કરવા માટે ગયા હોવાથી મોટી સંખ્યામાં જાનહાનિ ટળી હતી. ત્રણ મજૂરોને સામાન્ય ઈજા પહોંચવાથી સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. એક મજૂરે જણાવ્યું કે, વરસાદના છાંટા પડતાં હોવાથી અમે ભોજન માટે નજીકની જ અન્ય બાંધકામ હેઠળની ઈમારતમાં ગયા. સામાન્ય રીતે અમે અકસ્માત બન્યો તે જ સ્થળે ભોજન લેતા હતા. આ અંગે પોલીસ અધિકારીએ પુષ્ટિ કરતા જણાવ્યું કે કામદારો ભાગ્યશાળી હતા કે તેઓ ભોજન માટે ગયા હતા. નહીં તો અકસ્માત વધુ ગંભીર બન્યો હોત. આ વિમાન અકસ્માતમાં ચાર કેબિન ટીમના સભ્યો તેમજ એક રાહદારી સહિતના પાંચનાં મોત થયા છે.
મુંબઈ વિમાન અકસ્માત પીડિતને બળતા જોયો, તેનું
મગજ અને આંખો બહાર આવી ગયા હતા : સાક્ષી
(એજન્સી) મુંબઈ, તા.ર૯
ગુરૂવારે બપોરે મુંબઈના ઘાટકોપરમાં સર્જાયેલ જીવલેણ વિમાન અકસ્માતને નજરે જોનાર બાબાસાહેબ ઉમાપે જણાવ્યું કે મને માત્ર એટલું યાદ છે કે વિમાન રાહદારીના માથા સાથે અથડાયું અને તેની કેટલીક ક્ષણોમાં તેના પર ઈંધણ ઉડયું અને તેને બચાવવા કશું ન કરી શકયા અને તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સ બોલાવી. મૃત રાહદારીની ઓળખ ગોવિંદ દુબે તરીકે થઈ છે. અન્ય એક સ્થાનિક હરિભાઈ પટેલે નજરે જોયો અહેવાલ આપતા કહ્યું કે મેં જોયું કે, પાયલટ ઉતરાણ માટેની જગ્યા શોધવા ગોળ-ગોળ ફરી રહ્યા હતા અને ત્યારે જ વિમાન બાંધકામ હેઠળની ઈમારતની બાહ્ય દિવાલ નજીક આવેલ ઝાડ સાથે અથડાયા બાદ તૂટી પડ્યું. પટેલે કહ્યું કે પાયલટે માન્યું હશે કે આ ખાલી જગ્યા છે અને લોકોના જીવ બચાવવા પ્રયત્ન કર્યો. અમે વિમાનોની અવરજવરના અવાજથી વાકેફ છીએ પરંતુ આ વિમાન તૂટી પડશે એવી આશા ન હતી. ગંભીર વિમાન અકસ્માત બાદ થયેલ ૬ ધડાકા અને આગની જવાળાઓથી સ્થાનિકોમાં ભયની લાગણી પ્રસરી હતી.
ઘાટકોપરમાં અકસ્માતના કલાકો પહેલાં ઈજનેરે પિતાને કહ્યું હતું કે ‘ક્ષતિગ્રસ્ત વિમાનમાં ઉડ્ડયન કરીશ’
(એજન્સી) મુંબઈ,તા.ર૯
ગઈકાલે ૧ર બેઠકો વાળું ચાર્ટર્ડ એરક્રાફટ મુંબઈમાં તૂટી પડવાના કલાકો પહેલા ઈજનેર સુરભી ગુપ્તાએ સોનપતમાં પોતાના પિતાને જણાવ્યું હતું કે તેણી ક્ષતિગ્રસ્ત વિમાનમાં મુસાફરી કરનાર છે. સુરભીના પિતા એસપી ગુપ્તાએ પોતાના નિવાસસ્થાને પત્રકારોને જણાવ્યું કે ગઈકાલે સવારે અમે ફોન પર વાત કરી હતી. તેણીએ મને કહ્યું કે દિવસ દરમ્યાન તેણી જે વિમાનમાં જનારી છે તે ક્ષતિગ્રસ્ત છે. તેણીને કહ્યું કે વિમાન ખરાબ હાલતમાં હતું. શોકમગ્ન પિતાને પ્રશ્ન કર્યો છે કે ક્ષતિગ્રસ્ત વિમાનના ઉડ્ડયનની મંજૂરી કોણે મને કેવી રીતે આપી. તેમને આશા છે કે આ ઘટના મુદ્દે ઉચ્ચસ્તરીય તપાસ થશે અને જવાબદાર લોકોને સજા કરવામાં આવશે. સુરભીના એક વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા અને તેણીના પતિ પણ પાયલટ છે. સુરભીના પિતાને જણાવ્યું કે ઉત્તરપ્રદેશમાં તેમના શહેરમાં સ્થાનિકો તેણીને અંતરીક્ષ યાત્રી કલ્પના ચાવલા સાથે સરખાવતા તેમણે કહ્યું કે ‘ટૂંક સમય પહેલા તેણીનું મહારાષ્ટ્ર સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તે બહાદુર યુવતી હતી જેને ઉંચાઈઓથી પ્રેમ હતો.’
મુંબઈ વિમાન દુર્ઘટના : કપ્તાન મારિયા ઝુબેરીના પાડોશીઓએ તેને સલામ કરી
(એજન્સી) મુંબઈ,તા.ર૯
મુંબઈમાં ગુરૂવારે વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલ પાયલટ મારિયા ઝુબેરીના પરિવાજનો જ નહીં પરંતુ વિસ્તારના રહીશો પણ શોક મગ્ન છે. તેણીના હંમેશા લોકોની મદદ માટે તત્પર સ્વભાવ અને હંમેશાં હસતા ચહેરાને કારણે તેણી લોકોમાં પ્રિય હતી. તેણીના પાડોશી ઈવી સરકારે કહ્યું મને વિશ્વાસ થતો નથી કે તેણી અમારી સાથે નથી. તેણી અદભુત મહિલા હતી. હંમેશા મદદ માટે તૈયાર તેણીએ પોતાના બુધ્ધિ ચતુરાઈનો ઉપયોગ કરી ઘણા લોકોના જીવ બચાવ્યા તે બદલ મને તેણી પર ખૂબ જ ગર્વ છે હું તેણીને સલામ કરૂં છું. મારિયાને ઘર કામમાં મદદ કરનાર આરતી વાઘમરેએ અત્યંત દુઃખ સાથે જણાવ્યું તેણીને હજુ પણ એવું લાગે છે મારિયા થોડા સમયમાં ઘરે પાછી આવશે. આરતીએ કહ્યું કે તેણી મને હંમેશા એક મિત્રની જેમ સંબોધતી તેમણે મને કયારેય નોકર હોવાનો અહેસાસ નથી કરાવ્યો.