અમદાવાદ, તા.ર૯
રાજ્યની ગ્રાન્ટેડ શાળાના કર્મીઓને થયેલા અન્યાયના મુદ્દે ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ હવે ખૂબ જ રોષે ભરાયું છે અને તે વધુ આક્રમક મૂડમાં આવી ગયું છે. રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષણ સહાયકોને ઓછો પગાર આપવામાં આવી રહ્યો છે તે પગારમાં વધારો, સળંગ નોકરી ગણવા, તથા સાતમા પગાર પંચના તફાવતના હપ્તાઓ અંગેની સરકારને રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પગલાં ન લેવાતા મહામંડળની તાજેતરમાં મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, સરકાર માગણીઓ પૂરી નહીં કરે તો રાજ્યના ર૦૦૦થી વધુ શિક્ષકો મુંડન કરાવશે. આ માટે શિક્ષક સંઘ દ્વારા સરકારને પાંચમી સપ્ટેમ્બર સુધીની મહોલત આપવામાં આવી છે.
ગ્રાન્ટેડ શાળાના શિક્ષણ સહાયકોને સરકારી શાળાના શિક્ષણ સહાયકો કરતા ૬ હજારથી માંડીને ૧૨ હજારનો ઓછો વધારો અપાયો છે.
ઉપરાંત ફિક્સ પગારની નોકરી ઉચ્ચતર પગાર તેમજ નિવૃત્તિ વિષયક લાભ માટે ૨૦૦૬ પછી સરકારી કર્મચારીની સળંગ ગણવામાં આવી છે. જ્યારે ગ્રાન્ટ ઇન એઇડના શિક્ષકોની સળંગ નોકરી ગણાવામાં આવી નથી. જેને લઇને શિક્ષક સંધ દ્વારા વિવિધ ચાર ઝોનમાં મિટીંગનો દોર શરૂ કરી દેવો આવ્યો છે.
અને જો શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોના પ્રશ્નો ઉકેલવામા નહી આવે તો આગામી ૧૬ સપ્ટેમ્બરના રોજ શિક્ષકો સામુહીક મુંડન કરાવશે. રાજ્યના ૨ હજારથી વધુ શિક્ષકો મુંડન કરવવાનો અંદાજ છે. સમગ્ર રાજ્યમાં ૬૦ હજારથી વધુ શિક્ષકો લાભથી વંચિત છે.