સફાઈ કામદારો દ્વારા મ્યુનિ. કચેરી બહાર દેખાવો કરાતાં ચક્કાજામ : પોલીસનો લાઠીચાર્જ

ct-6સફાઈ કામદારોને કાયમી કરવાની માંગ સાથે દલિતનેતા જીજ્ઞેશ મેવાણી, અમરીષ પટેલ સહિતના આગેવાનો દ્વારા મ્યુનિ. કચેરી બહાર દેખાવો કરવામાં આવ્યા હતા. દેખાવકારોએ ચક્કાજામ કરતા પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.

અમદાવાદ, તા.૨૬

મ્યુનિસિપલ કોર્પોરેશનની શહેરના દાણાપીઠ વિસ્તારમાં આવેલી મુખ્ય કચેરી ખાતે કાયમી કરવા ઉપરાંત વિવિધ માગણીઓ પુરી કરવા મામલે એકઠા થયેલા વાલ્મીકી સમાજના મોટી સંખ્યામાં લોકો દ્વારા બપોરના સુમારે જ્યારે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું તે સમયે પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યુ હોવાનો આક્ષેપ જિજ્ઞેશ મેવાણી દ્વારા કરવામાં આવ્યો છે.આ અંગે મળતી માહિતી મુજબ,શહેરના નવા પશ્ચિમ ઝોનમાં ગત ૨૨મી ઓગસ્ટના દિવસથી પાંચ જેટલા વોર્ડના સફાઈ કામદારો તેમને કાયમી કરવાની માગણી સાથે અનિશ્ચિત મુદત માટેની હડતાળ ઉપર ઉતરેલા છે.આ હડતાળને તોડવા સત્તાધારી પક્ષ ભાજપના મેયર સહીત અન્યો દ્વારા અત્યાર સુધી ચારથી પાંચ વખત બેઠકો યોજવામાં આવી છે.આમ છતાં આ બેઠકોનું કોઈ હકારાત્મક પરિણામ ન આવતા આજે બપોરે ત્રણના સુમારે શહેરભરમાંથી મોટી સંખ્યામાં દલિતો મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરીની બહાર ઉમટી પડતા સત્તાવાળાઓ દ્વારા તમામ દરવાજા બંધ કરી દઈને જડબેસલાક નાકાબંધી કરી દેવામાં આવી હતી.દરમ્યાન લગભગ પોણો કલાક સુધી ચાલેલા આ પ્રદર્શનના કારણે રસ્તા ઉપર ચક્કાજામની પરિસ્થિતિ સર્જાતા પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરી નાંખવાના ઈરાદાથી તેમની અટકાયત કરવાની શરૂઆત કરતા મામલો વધુ બિચકયો હતો.દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ એક વાતચીતમાં કહ્યું છે કે,અમારા એક કાર્યકર હિતેન મકવાણાને પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો છે.આ ઉપરાંત એક પ્રસુતા મહીલાની છાતી ઉપર પોલીસ કર્મીએ પગ મુક્યો હતો.આ સાથે આજના પ્રદર્શન દરમ્યાન પાંચથી વધુ પ્રદર્શનકારીઓને ગંભીર ઈજાઓ પહોંચવા પામી છે.બીજી તરફ પોલીસે પરિસ્થિતિને થાળે પાડવાના ભાગરૂપે ૧૦૦૦થી પણ વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરીને તેમને શાહીબાગ ખાતે આવેલા પોલીસ સ્ટેડિયમ ખાતે મોકલી આપ્યા હતા.આજે કરવામાં આવેલા દેખાવ દરમ્યાન તમામ સફાઈ કામદારોને કાયમી કરવાની માગણી સાથે સાતમા વેતનપંચ મુજબ વેતન ચુકવવા તેમજ બીઆરટીએસના તમામ કર્મચારીઓને લઘુત્તમ વેતન ચુકવવા ,રામદેવપીરના ટેકરાના દલિતોને પીપીપીના નામે મુર્ખ બનાવવાનું બંધ કરવા તેમજ વેજલપુરના યુવાન રાકેશ મહેરીયાની લારી પરત કરવા સહીતની માગણી સામેલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks