અમદાવાદ, તા.૨૪
અમદાવાદ શહેરમા ચાલુ વર્ષે મ્યુનિસિપલ તંત્રની માઠી દશા બેઠી હોય એમ એકતરફ સ્વાઈનફલુ સહિતના અન્ય રોગના સંખ્યાબંધ કેસ અને મોત તો બીજી તરફ અમદાવાદ શહેરમા તુટેલા રસ્તાઓ શહેરના મ્યુનિસિપલ કમિશનર દ્વારા સોંપવામા આવેલી રસ્તાઓ મામલે વિજિલન્સ તપાસનો અંતિમ અહેવાલ આવતા હજુ વધુ દોઢ માસનો સમય લાગી શકે છે. આ દરમિયાન ગત ૨૭ જુલાઈના રોજ મળેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય માસિક સભામા વિપક્ષ તેમજ શાસકપક્ષના કોર્પોરેટરો દ્વારા અમદાવાદના તુટેલા રસ્તાઓ મામલે રીતસરની પસ્તાળ પાડવામા આવતા સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમા શહેરના વિવિધ વિસ્તારોમા રસ્તાઓ બનાવવાની કામગીરી સાથે સંકળાયેલા ત્રણ કોન્ટ્રાકટરોને ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય કરવામા આવ્યો હતો.આ તરફ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર દ્વારા શહેરમા તુટેલા રસ્તાઓ મામલે વિજિલન્સ તપાસના આદેશ કરવામા આવ્યા હતા.હાઈકોર્ટ સમક્ષ તપાસ ઝડપથી પુરી કરવા કડક આદેશ કરવામા આવતા મ્યુનિસિપલ કમિશનરે એક અઠવાડીયા અગાઉ વધુ અધિકારીઓને વિજિલન્સ તપાસની કામગીરી માટે ફરજ સોંપતા આદેશ કર્યા હતા.મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર સૂત્રોમાથી મળતી માહિતી અનુસાર,મ્યુનિસિપલ કમિશનરના આદેશને પગલે શરૂ કરવામા આવેલી વિજિલન્સ તપાસનો હજુ માત્ર વચગાળાનો અહેવાલ જ આવ્યો છે આ વચગાળાના અહેવાલને પગલે એક ડેપ્યુટી સીટી ઈજનેર સહિત છ જેટલા આસીસટન્ટ સીટી ઈજનેરોને સસ્પેન્ડ કરવામા આવ્યા છે.હજુ આ તપાસનો અંતિમ રિપોર્ટ આવતા વધુ ૪૫ દિવસનો સમય લાગી શકે છે.ઉપરાંત અમદાવાદ શહેરના કુલ છ ઝોનમા મળીને ૨૩૧ જેટલા રસ્તા તુટી જવા પામ્યા છે જે પૈકી વિજિલન્સ તપાસમા રેન્ડમ ૯૦ જેટલા રસ્તાઓ લેવામા આવ્યા છે આ રસ્તાઓ પૈકી ૧૩ રસ્તાઓ તપાસ માટે નકકી કરવામા આવ્યા બાદ હજુ સુધી માત્ર ત્રણ રસ્તાના જ સેમ્પલ લેવામા આવ્યા છે આ પરિસ્થિતિમા તંત્રની આ તપાસ પુરી થવામા હજુ વધુ સમય લાગી શકે એમ છે.