(એજન્સી) બાગપત, તા.૯
યુપીના કુખ્યાત માફિયા ડોન પ્રેમ પ્રકાશ સિંહ ઉર્ફે મુન્ના બજરંગીની બાગપત જેલમાં હત્યા કરવામાં આવી છે. બસપાના પૂર્વ ધારાસભ્ય લોકેશ દીક્ષિત પાસે ખંડણી માંગવાના આરોપમાં બાગપત કોર્ટમાં મુન્ના બજરંગીને કોર્ટમાં રજૂ કરવાનો હતો. જે અંતર્ગત તેને રવિવારે ઝાંસીથી બાગપત લવાયો હતો. આ દરમિયાન જ જેલમાં તેની હત્યા કરવામાં આવી છે, ત્યારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. જિલ્લા જેલમાં જ્યારે કેદીઓની ગણતરી ચાલી રહી હતી ત્યારે જેલ તંત્રને ખ્યાલ આવ્યો કે બજરંગીની હત્યા થઈ ગઈ છે. બજરંગી વિરૂદ્ધ ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યાનો પણ આરોપ હતો. તો આ બાજુ ઝ્રસ્ યોગી આદિત્યનાથે આ ઘટનાની તપાસના આદેશ આપી બાગપતના જેલરને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યાં છે. આ ઉપરાંત ડેપ્યુટી જેલર સહિત ચાર જેલ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ ઝાંસી જેલથી બાગપત જેલમાં લાવવામાં આવ્યા બાદ તેને કુખ્યાત સુનીલ રાઠી અને વિક્કી સુંહેડાની સાથે સ્પેશિયલ સેલમાં રાખવામાં આવ્યો હતો. જેલની અંદર જ તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેનાથી જેલ તંત્ર સામે ગંભીર સવાલો ઊઠી રહ્યાં છે.
મેરઠ ઝોનના ADGએ મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, “હાલ આ મામલે જેલ વહીવટી તંત્રની નિષ્ફળતા અને કાવતરૂં સ્પષ્ટ નજરે પડી રહ્યું છે. જો કે આ તપાસનો વિષય છે.”
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બાગપત જેલમાં મુન્ના બજરંગીની હત્યા મામલે કહ્યું કે, “મામલાની ન્યાયિક તપાસ અને જેલરને સસ્પેન્ડ કરવાના આદેશ આપવામાં આવ્યાં છે. જેલ પરિસરમાં આ પ્રકારની ઘટના એક ગંભીર મામલો છે. અમે આ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરીશું અને આ માટે જે કોઈ જવાબદાર હશે તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.”
૨૯ જૂને મુન્ના બજરંગીની પત્ની સીમા સિંહે નિવેદન આપ્યું હતું કે, “હું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સુધી પહોંચાડવા માંગુ છું કે મારા પતિના જીવને ખતરો છે. તેને યોગ્ય સુરક્ષા આપવામાં આવે. તેના નકલી એન્કાઉન્ટરની પણ યોજના બનાવવામાં આવી રહી છે. યુપી જી્હ્લ અને પોલીસ અધિકારીઓ યોજના બનાવી રહ્યાં છે કે તેને નકલી એન્કાઉન્ટરમાં ખતમ કરી દેવામાં આવશે.