અમદાવાદ,તા.૨૧
સુરત બાદ અમદાવાદમાં પણ રોડ પર દશામાની મૂર્તિના ઢગલા જોવા મળ્યા હતા. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર રોડની સાઈડમાં દશામાની મૂર્તિના ઢગલા જોવા મળ્યા હતા. નદીમાં પ્રદૂષણ થતું હોવાથી સાબરમતી નદીમાં મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.નદીમાં મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ લગાવવામાં આવતા શ્રદ્ધાળુઓ મૂર્તિને રોડ પર જ છોડીને જતાં રહ્યા હતા. ૧૦ દિવસ સુધી માતાજીની પૂજા-અચર્ના કરનારા શ્રદ્ધાળુઓએ દશામાની મૂર્તિને યોગ્ય જગ્યાએ મૂકવાની પણ તસ્દી ન લીધી.
તો તંત્ર તરફથી પણ મૂર્તિ વિસર્જન અંગે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નહોતી. તંત્ર દ્વારા ટ્રેકટરમાં નાખીને મૂર્તિઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. ટ્રેકટરમાં મૂર્તિઓના ઢગલા અને કંકૂ, ચૂંદડી સહિતની સામગ્રી એકઠી કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો.
ઉલ્લેખનીય છે કે, સુરતની તાપી નદીમાં પાણી ન હોવાથી દશામાની મૂર્તિઓનું વિસર્જન ન થતાં ભક્તોમાં નિરાશા જોવા મળી છે. પાણી ન હોવાથી વિસર્જન કર્યા વિના જ નદી કિનારે હજારો દશામાની મૂર્તિઓના ઢગલા થયા છે. નિરાશ થઈને ભક્તોએ મૂર્તિઓ પર પાણીનો છંટકાવ કરી ઔપચારિક વિધિ કરી હતી. જ્યારે તંત્રએ મૂર્તિઓને વાહનોમાં ભરી અન્ય સ્થળે વિસર્જન કરવા માટેની કામગીરી શરૂ કરી હતી.