(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
રાફલ ડીલ પર ફ્રાંસ સરકારના એક નિવદનમાં જણાવવામાં આવ્યું છે કે રાફલ સોદા સાથે જોડાયલો ભારતીય બિઝનેેસ પાર્ટનર કોણ હશે, તે નક્કી કરવામાં ફ્રાંસ સરકારની કોઇ ભૂમિકા નથી. ફ્રાન્સની કંપનીન આ વાતની ખુલ્લી છૂટ હતી કે તેે કઇ ભારતીય કંપનીને રાફેલ સોદાની ભાગીદાર કંપની તરીકે પસંદ કરે. ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદેએ જણાવ્યું હતું કે ૫૮ હજાર કરોડ રૂપિયાના રાફેલ સોદામાં રિલાયન્સ ડિફેન્સને પાર્ટનર બનાવવાનો પ્રસ્તાવ ભારત સરકારે આપ્યો હતો અને ભારતના પ્રસ્તાવ પછી ફ્રાંસની કંપની પાસે આ પ્રસ્તાવ માનવા સિવાય અન્ય કોઇ વિકલ્પ ન હતો. ઓલાંદેના આ નિવેદન પર પ્રતિક્રિયારૂપે ફ્રાંસ સરકારે ઉપરોક્ત નિવેદન કર્યું છે. રાફેલ સોદા પર ફ્રાંસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના સનસનાટીપૂર્ણ ખુલાસાથી દેશનું રાજકારણ ગરમાઇ ગયું છે. કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આકરા પ્રહારો કર્યા છે.
ફ્રાન્સના એક મેગેઝીન મીડિયાપાર્ટને આપેલા ઇન્ટરવ્યૂમાં ઓલાંદેએ કહ્યું છે કે રાફેલ સોદા વખતે ભારત સરકારે નિર્માણમાં ભાગીદારી માટે દસોલ્ટ કંપનીનો કોન્ટ્રાક્ટ અનિલ અંબાણીની કંપનીને આપવાનો પ્રસ્તાવ આપ્યો હતો. ભારત સરકારના પ્રસ્તાવ બાદ દસોલ્ટ એવિએશન પાસે અન્ય કોઇ વિકલ્પ ન હતો. અનિલ અંબાણીની કંપનીની પસંદગીમાં દસોલ્ટનો કોઇ રોલ નથી. કોંગ્રેેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરીને જણાવ્યું કે વડાપ્રધાને દેશ સાથે દગો કર્યો છે. વડાપ્રધાન બંધબારણે રાફેલ સોદા અંગે મંત્રણા કરીને સોદામાં ફેરફાર કરાવ્યા.
રાફેલ ડીલ અંગે કોંગ્રેસે વડાપ્રધાન સામે ગંભીર આરોપ મુક્યા છે. કોંગ્રેસના આરોપો મુજબ સરકારે રાફેલના નિર્માણમાં ભાગીદારીની ડીલમાં કૌભાંડ કર્યું છે અને અનુભવી સરકારી કંપની એચએએલને બદલે બિનઅનુભવી રિલાયન્સ ડિફેન્સની પસંદગી કરી. રાફેલની કીમત ૫૯૦ કરોડથી વધારીને સીધા ૧૬૯૦ કરોડ સુધી પહોંચાડી દેવામાં આવી. મોદી સરકાર વારંવાર કહી રહી છે કે દસોલ્ટ અને રિલાયન્સ વચ્ચેની સમજૂતી બે ખાનગી કંપનીઓની ડીલ હતી અને તેમાં ભારત સરકારનો કોઇ રોલ નથી, આથી ઓલાંદેના ઇન્ટરવ્યૂ પછી સંરક્ષણ મંત્રાલય પણ આશ્ચર્યચકિત થઇ ગયું છે. ઓલાંદેના નિવેદનની તપાસ કરવામાં આવી રહી છે.