(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
રિસર્ચ સ્કોલર રોહિત વેમુલાની માતાએ તેમના કુટુંબને મકાન નહીં બાંધી આપવા બદલ ભારતીય યુનિયન મુસ્લિમ લીગ પર પ્રહારો કર્યા અંગેના અખબારોમાં છપાયેલા અહેવાલના એક દિવસ બાદ તેમણે આ સમાચારને બોગસ ગણાવ્યા હતા.
અખબારમાં પ્રગટ અહેવાલો મુજબ રોહિતની માતા રાધિકાએ દાવો કર્યો હતો કે, પોતાના પુત્રના આપઘાત બાદ મુસ્લિમ લીગે તેમને ઘર બનાવવા રૂા.ર૦ લાખની સહાય આપવાનું વચન આપ્યું હતું પણ આ વચન હજુ સુધી પૂરું કરવામાં આવ્યું નથી અને રાજકીય લાભ માટે તેમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
અખબારમાં આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ભાજપ સહિતના પક્ષોએ પ્રતિક્રિયા આપી હતી. જો કે, હવે આ બોગસ સમાચાર અંગે સ્પષ્ટતા કરતાં અધિકારીએ જણાવ્યું હતું કે, આ માહિતીને ખોટી રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. તેમણે મુસ્લિમ લીગ તરફથી મળેલો ચેક બાઉન્સ થવા અંગે પણ સ્પષ્ટતા કરી જણાવ્યું હતું કે, ચેક બાઉન્સ નહતો થયો પણ ભૂલના કારણે તે રદ્ થયો હતો. તેમણે ખૂલાસો કર્યો હતો કે, મને મુસ્લિમ લીગ સાથે કોઈ મતભેદ નથી તેમણે મને એડવાન્સ પેટે જમીનના રૂા.પાંચ લાખ આપ્યા હતા અને રમઝાન બાદ વધુ દસ લાખ રૂા. આપવાનું વચન આપ્યું હતું. હું તે તમામ સાથે પ્રચાર કરીશ જે ભાજપ વિરૂદ્ધ છે. આ સમાચાર દ્વારા ભ્રમ પેદા કરવાનો પ્રયાસ કરાયો છે.