મુસ્લિમ મતોનું વિભાજન અટકાવવા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનું આહ્‌વાન

(સંવાદદાતા દ્વારા)
મહેસાણા, તા.ર
વિધાનસભાની ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોએ પોતાની જીત અંકે કરવા મહેસાણા જિલ્લામાં કવાયત શરૂ કરી છે. આ વખતે જિલ્લામાં મુસ્લિમ મતદારો ખૂબ જ સાવચેતીપૂર્વક મતદાન કરે તે માટેના સામાજિક પ્રયાસો થઈ રહ્યા છે. તેના ભાગરૂપે કડીમાં યોજાયેલી લઘુમતી સમાજની બેઠકમાં આ વખતે મુસ્લિમ મતોનું વિભાજન અટકાવવા હાકલ કરવામાં આવી હતી. જ્યારે સ્થાનિક મામલતદાર કચેરીના સ્થળાતંરનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
કડીના કોર્ટ કંપાઉન્ડમાં યોજાયેલ મુસ્લિમ સમાજની બેઠકમાં કોંગ્રેસના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ વખતની વિધાનસભાની ચૂંટણી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. રાજ્યમાં મુસ્લિમ મતોનું વિભાજન થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મતદાર યાદીમાંથી લઘુમતીઓના નામ ઉડાવી દેવાના પણ કિસ્સા સામે આવ્યા છે ત્યારે સમાજના લોકોએ તકેદારીથી મતદાન કરીને કટ્ટરવાદી પરિબળોને જાકારો આપવાની જરૂર છે. આ પ્રસંગે કડીના સ્થાનિક ધારાસભ્ય રમેશ ચાવડાએ પોતાના કાર્યકાળ દરમ્યાન કરેલા વિકાસના કામો વર્ણવ્યા હતા. કડીમાં યોજાયેલી બેઠકમાં અબ્બાસખાન પઠાણે પણ સામાજિક એકતા ઉપર ભાર મુક્યો હતો. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસના મંત્રી એલ. એસ. પટેલ, મંજૂરમિયાં બાવા, મ્યુ.કાઉન્સીલર સબ્બીરભાઈ પઠાણ, ડો.સિદ્દીકભાઈ કડિયાવાલા સહિત કડી શહેરના મુસ્લિમ સમાજના આગેવાનો અને કાર્યકરોએ હાજરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દરિયાપુર વિધાનસભા મતક્ષેત્રમાં મતદારયાદીમાંથી પાંચ હજાર જેટલા મતદારોના નામ ગૂમ કરાયાની અને ત્રણ હજાર ભૂતિયા મતદારો ઉમેરાયાનું ષડયંત્ર જાગૃત ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ખુલ્લું પાડ્યું હતું અને ચૂંટણી કમિશનર સુધી રજૂઆત કરાતા અંતે પૂર્ણ મતદારયાદી વેબસાઈટ પર મૂકવાની ફરજ પડી હતી. જો આ જ મુજબ દરેક વિધાનસભા મતવિસ્તારમાં મુસ્લિમ આગેવાનો અને રાજકીય તેમજ સામાજિક સંસ્થાના અગ્રણીઓ જાગૃત થાય તો સમાજને મતદાનથી વંચિત રખાતો બચાવી શકાય.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks