– ડો. ઝુબેર કુરેશી
સીરિયામાં લોકો સુખચેનથી જીવન માંગ હતા. અચાનક તુર્કી સઉદી અરબ અને પશ્ચિમના ખ્રિસ્તી દેશોના જે માનવતા પ્રિય, દીન દુખિયારાઓના સ્વામીઓ છે, એમણે શોધી કાઢ્યું કે ઈરાક, લીબિયા અને અફઘાનિસ્તાનના લોકોને તો મુક્ત કર્યા પણ હવે જગતના લિબરેટર તરીકે, સીરિયાના લોકોને ત્યાંના જુલ્મી શાસક બશર અસદના શાસનમાંથી વહેલી તકે મુક્ત કરવા સિવાય એમની પાસે કોઈ કામ રહ્યું નથી. એમણે અમુક સીરિયનોને શેરીમાં આવીને વિરોધ કરવા ફરમાન બહાર પાડ્યું. આ હાતિમતાઈઓ, ગુડ સેમેરિટનોએ ડોન ક્વિકઝોરોએ ISISI, જુબ્હતુન્નુસરા, ફત્હુશ્શામ, ફ્રી સીરિયન આર્મી, કુર્દો, અને કોણ જાણે કેટકેટલા બેટેલિયનના પ્યાદાઓને મેદાનમાં ઉતાર્યા.
આ આંતરરાષ્ટ્રીય સમુદાય અર્થાત આંતરરાષ્ટ્રીય લૂંટારાઓની નજર સીરિયાના પ્રાકૃતિક સાધનોની, ગેસની, તેલની અને વોટર રિસોર્સિઝની વહેંચણી ઉપર હતી.
પણ એમાં તો રશિયા અને ઈરાને પણ ઝંપલાવ્યું અને હવે તો ચીન લશ્કરી અધિકારીઓ દમિશ્ક જઈને સૈનિક સહાય અને પ્રશિક્ષણની ખાત્રી આપી આવ્યા છે. તેથી આ કુખ્યાત ‘માનવતાવાદીઓ’ના હાથ હેઠા પડ્યા, કેમ કે ઉપરોક્ત દેશોએ હવનમાં હાડકા નાખવાનું કામ કર્યું. હવે તુર્કી પણ અલગ ફંટાયું છે. ખેર.
પણ એમાંથી બીજા અનેક અણધાર્યા પરિણામો આવ્યા. સીરિયામાં પાંચ વર્ષથી અને અફઘાનિસ્તાનમાં ચૌદ વર્ષથી જનતાનું કચ્ચરઘાણ નીકળી ગયું છે. દેશ બરબાદ થઈ ગયા છે. મીડિયામાં એમની પીડાને કવરેજ મળતું નથી. સીરિયામાં લાખો નિર્દોષ લોકો, એમની વિવિધ ‘હિતેચ્છુ ટોળકીઓને’ હાથે મોતને ભેટ્યા. બે ટંકની રોટલીના પણ એમને ફાંફાં છે. ઉપરથી મહેરબાનોના બોમ્બની અમિવર્ષા ચારેબાજુથી ઘાતક હથિયારો વડે હુમલા, યુદ્ધના મેદાનમાં શ્વાસ કઈ રીતે લેવો. તેવા લગભગ એક કરોડ લોકો પોતાના ઘરબાર, માલમિલ્કત વગેરે મૂકીને પહેરેલ કપડે યુરોપ તરફ નાસી છૂટ્યા. પોતાના દેશથી યુરોપના દેશો સુધીની એમની દયાજનક યાત્રા પાછું એક નવું દુખદાયી પ્રકરણ છે. યુદ્ધના મેદાનમાંથી સામૂહિક તિરસ્કારના તંબુઓમાં પરદેશમાં ડેરા નાખ્યા.
ત્યાં એમની સામે સમસ્યા આવી ભૂખમરો કે ધર્મપરિવર્તન. અલજઝીરા અને બીજી અનેક ચેનલોએ સાબિતી સાથે સમાચાર આપ્યા છે કે નેધરલેન્ડ, ડેનમાર્ક, જર્મની, ગ્રીસ વગેરેમાં ચર્ચ દ્વારા મુસ્લિમ શરણાર્થીઓના સામૂહિક ધર્મપરિવર્તનના ઉત્સવો ઉજવાય છે. મેથોડિસ્ટ, પ્રોટેસ્ટન્ટ અને ઈવાન્જેલિકો અયાને ‘GOD SENT OPPORTUNITY’ ગણે છે. ઈવાન્જેલિસ્ટો, ઈસ્લામ અને મુસ્લિમ દુશમનોમાં હંમેશા આગળ રહ્યા છે. બુશ પણ ઈવાન્જેલિસ્ટ હતા. તેઓ ‘JEWS FIRST’માં માને છે. એમની સામે મુખ્ય ‘ગાજર’ છે આશ્રય, ઝેકોસ્લોવાકિયા પહેલા એક દેશ હતો. પછી ઝેક અને સ્લોવાક પ્રજાઓના વૈમનસ્યને કારણે બંને દેશો છૂટા પડ્યા. આ બંને દેશોએ ખાસ કરીને સ્લોવાકિયાએ શરણાર્થીઓને સ્વીકારવાની નીતિ જાહેરમાં ઘોષિત કરી છે કે અમે મુસ્લિમોને નહીં સ્વીકારીએ, એમણે માત્ર મુસ્લિમ દેશોમાંથી આવતા ખ્રિસ્તી શરણાર્થીઓને વીણી વીણીને સ્વીકાર્યા છે. બીજા યુરોપિયન દેશોએ જરા SOPHISTICATED વલણ અપનાવ્યું. ‘ખ્રિસ્તીઓને પહેલા,ની હવા ઊભી કરાઈ છે. ચર્ચ તો હંમેશા જગતમાં નિઃસહાય લોકોની મદદે દોડી જ આવે છે. આશ્રય માંગતી અરજીઓ ચર્ચ મારફતે ફોરવર્ડ કરાય છે. કેટલાક યુરોપના દેશોએ, ખ્રિસ્તીકરણના ખાસ કોર્સ તૈયાર કર્યા છે. ચર્ચ સર્ટિફાય કરી આપે છે કે આ વ્યક્તિએ અમુક કોર્સ કર્યો છે, આ માણસ નિયમિત ચર્ચમાં હાજરી આપતો આવ્યો છે. ચર્ચની ભલામણને આધારે આશ્રય માંગતી અરજીઓનો પ્રાથમિકતાને ધોરણે નિકાલ થાય છે. ગ્રીસના શરણાર્થીઓના કેમ્પમાં ખ્રિસ્તી થવા આશ્રયવાંચ્છુ લોકોમાં પરફોરમા પ્રમાણે ફોર્મ વહેંચાય છે. એ કોઈ ખ્રિસ્તી થવા માગતો હોય તો ડચ લોકો એ કુટુંબને કેમ્પમાંથી ખસેડી અરજીના નિકાલ સુધી પોતાની ફેમિલીમાં રહેવાની સગવડ પૂરી પાડે છે. ઓસ્ટ્રિયામાં ખ્રિસ્તી થવા માગતા લોકો માટે એક વર્ષનો ‘PREPARATORY COURSE’ ઘડી કાઢવામાં આવ્યો. ત્યાંના પ્રમાણપત્રનું ખાસ્સું વજન પડે છે. રવિવારે ચર્ચોમાં અરબી, ફારસી અને દરી ભાષાઓમાં GOSPELનો સંદેશ પહોંચાડાય છે. પોતાને ત્યાં રજિસ્ટર્ડ શરણાર્થીને ચર્ચ, પહેલાંથી સહાનુભૂતિ ધરાવતા ઈમિગ્રેશન અધિકારીઓની બધી દુષ્કર પ્રક્રિયામાંથી સરળતાથી પસાર કરાવી દે છે.
યુરોપના ખાલી પડેલા, ઉજ્જડ, વેરાન અને તરછોડાયેલા ચર્ચો આવા નવા નિશાળિયાથી ઊભરાવા લાગ્યા છે. જ્યાં કાગડા ઉડતા હતા ત્યાં માનવ મેદની જોવા મળે છે. યુરોપમાં સેક્યુલરિઝમના પ્રભાવ હેઠળ લોકો ધર્મ પ્રત્યે ઉદાસીન થઈ ગયા છે. મોટે ભાગે અરિયવાદીઓ છે, અનિશ્વરવાદીઓ છે. ઘણા એવા છે જે કોઈપણ ધાર્મિક સંલગ્નતાનો ઈન્કાર કરે છે. જન્મ, મરણ, શાદી-વિવાહ વગેરે હોય તો જ ચર્ચમાં પગ મૂકે છે. રવિવારે પ્રાર્થના માટે કોઈ નથી આવતું. આખા યુરોપમાં ચર્ચ ઉપર તાળાં લાગવા માંડ્યા છે. મેઈન્ટેનન્સ ભારે હોવાથી વેચાઈ રહ્યા છે. અર્થાત આધ્યાત્મિક સ્થળો મોલ અને વેપાર કેન્દ્ર જેવા ભૌતિક સ્થળોમાં ફેરવાઈ રહ્યા છે. મોટાભાગના આવા ચર્ચોને મુસ્લિમોએ શુક્રવારે મસ્જિદમાં જતાં મુસ્લિમોની સંખ્યા ચાર ગણી થતી જાય છે અને રવિવારે ચર્ચમાં જતા ખ્રિસ્તીઓ ૧/૪ થતા જાય છે. જર્મન ફિલોસોફર નિત્શેએ ગઈ સદીમાં નોંધેલું કે યુરોપમાં ખ્રિસ્તી ધર્મ મરી પરવાર્યો છે.
પરેશાન હાલ, ભૂખે મરતા, દરબદર ભટકતા લોકોને રાજકીય આશ્રયનું ગાજર બાંધીને, ધર્મપરિવર્તન કરાવનાર ચર્ચની આ કુખ્યાત અને કલંકિત અને જાણીતી પદ્ધતિ સામે યુરોપમાં પણ અવાજ બુલંદ કરનાર છે, તેમના મત પ્રમાણે આ તકવાદીઓ છે, એમાંથી લાંબાગાળે સામાજિક અને આર્થિક પ્રશ્નો પેદા થશે.
બીજી તરફ અરબ પ્રદેશોમાં પશ્ચિમની કઠપૂતળી અબુ બક્ર બગદાદી ખિલાફત સ્થાપવા જાય છે. એની ખિલાફતને કારણે મુસ્લિમો ખ્રિસ્તી થઈ રહ્યા છે. એનો ભોગ પણ ખ્રિસ્તીઓ બન્યા છે. એની ત્રાસ આપવાની પદ્ધતિને પણ લોકો ધિક્કારે છે. પણ દુઃખદ હકીકત એ છે કે ખ્રિસ્તીઓ મુસ્લિમ દેશોમાંથી ભાગી છૂટી રહ્યા છે. એમાં ધાર્મિક અસહિષ્ણુતાના ફાળાનો ઈન્કાર કરી શકાય તેમ નથી. પણ સામાજિક-આર્થિક અને રાજકીય કારણોનો ફાળો એના કરતા વધારે છે. પશ્ચિમે ઈરાક પર લાદેલ પ્રતિબંધોથી કંટાળીને ઘણા ખ્રિસ્તીઓ ઈરાક છોડીને જતા રહ્યા. એમને યહુદીઓના ત્રાસનો પણ ખ્યાલ છે જ. હોલોકાસ્ટ, જર્મનીએ સર્જ્યો અને ખ્રિસ્તીઓએ એની કિંમત અરબો પાસેથી વસૂલ કરી. ઈરાનના કહેવા પ્રમાણે પાછલા સો વર્ષથી પશ્ચિમના અરબો પ્રત્યેની વિનાશક પોલીસી ઉપર ફળ બેઠા છે. મુસ્લિમો અને ખ્રિસ્તીઓ સદીઓથી ભાઈઓની જેમ રહેતા હતા. ૧૯૪૮માં ઈઝરાયેલની સ્થાપના અને પશ્ચિમની તેના પ્રત્યેની પોલીસીમાંથી ખ્રિસ્તી અરબ દુશ્મનીમાં ક્રમશઃ વધારો થતો જાય છે.
યુરોપમાં મુસ્લિમ શરણાર્થીઓ ખ્રિસ્તી બને છે અને મધ્યપૂર્વમાંથી ખ્રિસ્તીઓ પલાયન કરી રહ્યા છે. એમાં એક પરિબળ સામ્ય છે. મધ્યપૂર્વનું ભવિષ્ય અંધકારમય છે તેથી મુસ્લિમો પાછા આવવા માગતા નથી અને ખ્રિસ્તીઓ એ જ કારણે જઈ રહ્યા છે. બંનેને યુરોપની સુખ સમૃદ્ધિ અને શાંતિ આકર્ષે છે. કેમ ખ્રિસ્તી બનવા માંગતા મુસ્લિમને તરત આશ્રય મળી જાય છે તેમ યુરોપ જવા માંગતા અરબ ખ્રિસ્તીને તરત વિઝા મળી જાય છે. આ બધાનો શ્રેય જાય છે. જગતમાં ‘લોકશાહી’ સ્થાપવા ફરતા પશ્ચિમના ‘નિર્દોષ’ દેશોને અને તેમના ‘માનવતાવાદી’ સહયોગીઓને. તેથી યુરોપમાં શરણાર્થી ટાઈમ બોમ્બ ટીકટીક કરે છે. અને જો તુર્કી અને ઈયુ વચ્ચેની સંધિ ન જળવાય તો યુરોપમાં શરણાર્થીઓના ઘોડાપૂર નક્કી છે.