(એજન્સી) મેંગ્લુરૂ, તા.૭
મુસ્લિમ યુવક સાથે પ્રેમ સંબંધ ધરાવનાર મેંગ્લુરૂના એક મકાનમાં બે વર્ષથી કેદ એક યુવતીને કર્ણાટક પોલીસે છોડાવી લીધી છે. યુવતીએ તેની માતા પર એવો આરોપ મૂકયો કે મુસ્લિમ યુવક સાથે પ્રેમ સંબંધના અપરાધમાં તેની માતાએ ભારતીય જનતા પાર્ટી (બીજેપી) નેતાઓની મદદથી કર્ણાટકના મેંગ્લુરૂ શહેરમાં એક મકાનમાં બે વર્ષથી કેદ કરી દેવામાં આવી હતી. અહેવાલ મુજબ ત્રિશુર જિલ્લાના ગુરૂવયુર નિવાસી અંજલી નામની યુવતીને તેની જ માતાએ મેંગ્લુરૂ શહેરમાં કેદ કરી હોવાની બાતમીના આધારે કેરળ પોલીસે અંજલીને કેદમાંથી મુક્ત કરાવી હતી. ડીસીપી ઉમા પ્રશાંત અનુસાર અંજલીને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવી હતી ત્યારે તેણીએ મા સાથે જવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે અંજલીને રેસ્કયુ હોમ મોકલવાનો આદેશ આપ્યો છે અને અંજલીની માતાની ધરપકડ કરી આ મામલામાં ભૂમિકા ભજવનાર અન્ય લોકોની તપાસ ચાલી રહી છે. કેટલાક દિવસો પહેલાં એક વીડિયો જારી થયો હતો. આ વીડિયો અંજલી એવો દાવો કરતી નજરે પડે છે કે તેને બીજેપી નેતાઓના સહયોગથી કેદ કરવામાં આવી છે. અંજલી કહી રહી છે કે, એની પાસે ભાગવા માટે કોઈ રસ્તો નથી. જો તેને કંઈ પણ થાય તો તેને માટે તેણે તેની માતાને જવાબદાર ઠેરવી હતી. તેણે કહ્યું કે એક મુસ્લિમ સાથે પ્રેમ કરતી હોવાના કારણે પાછલા બે વર્ષથી તેને ઘણુ વેઠવું પડ્યું છે. અંજલી વીડિયોમાં જણાવી રહી છે કે, તેને બે મહિના સુધી માનસિક ઉપચાર માટે અમૃતા હોસ્પિટલમાં અને ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના એક અનાથાલયમાં બે મહિના સુધી રાખવામાં આવી હતી. અંજલીએ કહ્યું કે પાછલા કેટલાય મહિનાઓથી તેને યાતનાઓ વેઠવી પડી રહી છે. તેને કોઈ બચાવનાર નથી અને તેને મેંગ્લુરૂમાં કેદ કરવામાં આવી છે. આ લોકોને બીજેપીનો પૂરેપૂરો સહયોગ છે.