(એજન્સી) મગહર, તા. ૨૮
મગહરમાં મહાન કવિ સંત કબીરની મઝારની મુલાકાત દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મુસ્લિમ ટોપી પહેરવાનો ઇન્કાર કરતા નવો વિવાદ સર્જાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા યોગી આદિત્યનાથ મગહરમાં સ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા હતા. એક વીડિયોમાં ફાયરબ્રાન્ડ હિંદુવાદી નેતાને મઝારના ખાદિમે ટોપી પહેરાવાનો પ્રયાસ કર્યો હતો જોકે, તેઓ ઇન્કાર કરતા દેખાયા હતા.
અહેવાલો અનુસાર બાદમાં ખાદિમે યોગી આદિત્યનાથને ટોપી હાથમાં રાખવાનો આગ્રહ કર્યો હતો જેમાં તેઓ સંમત થયા હતા અને બાદમાં ફોટા પડાવ્યા હતા. આ ઘટના બાદ કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારી અને સમાજવાદી પાર્ટીના પ્રવક્તા સુનિલ જૈને યોગીની આકરી ટીકા કરી હતી. પ્રમોદ તિવારીએ જણાવ્યું હતું કે, એક મિનિટ ટોપી પહેરવાથી યોગી આદિત્યનાથના ધર્મ પર અસર પડી રહી હતી જ્યારે સજન જૈને તેમનો સર્વોચ્ચ દંભ ગણાવ્યો હતો. આ ઘટના યોગી આદિત્યનાથના નિવેદનના બે દિવસ બાદ જ બની છે જેમાં તેમણે એમ કહીને વિવાદ સર્જ્યો હતો કે, એમાં કોઇ શંકા નથી કે, રામ મંદિર રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદના વિવાદિત સ્થળે જ બનશે. વર્ષ ૨૦૧૧માં ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સામાજિક સૌહાર્દના ઉપવાસ દરમિયાન મુસ્લિમ ટોપી પહેરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. તેના ત્રણ વર્ષ બાદ તેમણે એક ટીવી ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, હુંં તમામ ધર્મોની પરંપરાને માન આપવામાં માનું છું પણ આ જ સમયે હું મારી પરંપરાને પણ માન આપું છું. આવી મુસ્લિમ ટોપી પહેરીને હું લોકોને છેતરી ના શકું. જોકે, હું અન્યોની ટોપી પ્રત્યે અનાદર દેખાડનારાઓ સામે પગલાં લેવામાં પણ માનું છું.