મુસ્લિમ ઉમેદવાર હારી જાય તેવી બેઠક પર ટિકિટ ફાળવતાં મુસ્લિમ કાર્યકરોમાં રોષની લાગણી

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૦
ગુજરાત વિધાનસભાની આવનાર ચૂંટણીઓમાં ભાજપ બાદ કોંગ્રેસ દ્વારા ગત મોડીરાત્રે જાહેર કરાયેલી ૭૭ ઉમેદવારોની પ્રથમ યાદીને પગલે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોની નારાજગી ચરમસીમાએ પહોંચી ગઇ હોવાનું જાણવા મળે છે. પ્રથમ તબક્કાની યાદીને પગલે કોંગ્રેસ ઘમાસાણ મચી જતા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઇ ઉપર રાજીનામું આપવાનું દબાણ વધતા તેઓએ સ્થાનિક ચેનલમાં રાજીનામું આપવાની વાત કહી હતી પણ હજુ સુધી તેઓએ રાજીનામું આપ્યું નથી. દરમિયાન લોકસભા, વિધાનસભા, સ્થાનિક કોર્પોરેટર ચૂંટણીઓ લડનાર કોંગ્રેસ અગ્રણી અને હિન્દીભાષીમાં પ્રભૂત્વ ધરાવતાં ધનસુખ રાજપૂતે નારાજગી વ્યક્ત કરી રાજીનામું ધરી દીધું છે. ખાસ કરીને સુરત શહેરમાં પાટીદાર સમાજ દ્વારા ભારે હોબાળો થતાં કોંગ્રેસ મોવડીમંડળ દ્વારા કેટલીક બેઠકો ઉપર ઉમેદવારો બદલવાની હીલચાલ શરૂ કરી દીધી છે. દરમિયાન મુસ્લિમ સમાજ દ્વારા પણ યોગ્ય પ્રતિનિધિત્વ નહી મળતા મુસ્લિમ સમાજના કોંગ્રેસ આગેવાનો દ્વારા પણ રાજીનામું આપવાની હોડ જામી છે. જેમાં પૂર્વ બેઠકના સફળ દાવેદાર ગણાતા ફિરોઝ મલેકે પણ પ્રદેશ મોવડીમંડળને રાજીનામું ધરી દીધું હોવાનું જાણવા મળે છે. ૧૬૩ લિંબાયત બેઠક પરથી ભાજપમાંથી આવેલા રવિન્દ્ર પાટીલને ટિકિટ આપવામાં આવતા લિંબાયત કોંગી કોર્પોરેટર ઇકબાલ બેલીમે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ મુસ્લિમ સમાજ સાથે મજાક કરી છે. જો પાર્ટી રવિન્દ્ર પાટીલને બદલે નવા ઉમેદવારને ઊભા નહીં કરે તો તમામ હોદ્દાઓ પરથી ઇકબાલ બેલીમ (કોંગી કોર્પોરેટર) રાજીનામું આપશે તેવું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસ પક્ષ દ્વારા ૭૭ સભ્યોની પ્રથમ યાદી રવિવારે મોડીરાત્રે જાહેર કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ પક્ષ દ્વારા સુરતમાં ૧પ૯ સુરત પૂર્વ અને ૧૬૩ લિંબાયત બંને બેઠક પર મુસ્લિમ મતદારો ૮૪,૦૦૦ અને ૭પ,૦૦૦ છે. આ બંને બેઠકમાંથી એકપણ બેઠક પર મુસ્લિમ સમાજને સ્થાન ન મળ્યું અને જે બેઠક પર માત્ર ૧૦ ટકા મુસ્લિમ મતદારો છે અને જ્યાં મુસ્લિમ ઉમેદવાર ખરાબ રીતે હારી જાય તે વાસ્તવિકતા છે. તેવી બેઠક પર મુસ્લિમને ટિકિટ ફાળવી મુસ્લિમો સાથે પક્ષના કર્તાહર્તાઓએ ક્રૂર મજાક કરી છે. જે અસહનીય છે. કોંગ્રેસ પાર્ટીમાં ભડકો થતાં સુરત શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ જ્યોતિ સોજીત્રાએ પદ પરથી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ફિરોઝ મલેકે પણ રાજીનામું આપી દીધું હોવાનું જાણવા મળે છે. તેમની સાથે ર૦૦થી વધુ મહિલા કાર્યકરોએ પણ રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts