મુસ્લિમ ઉમેદવારોને હરાવવા મુસ્લિમ સમાજમાંથી જ તકસાધુઓ મેદાનમાં

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૩
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કામાં યોજાનારી ચૂંટણીના ફોર્મ ભરવાની ચકાસણી કરવાની અને પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ જતાં હવે કેટલાક ઉમેદવારો મેદાનમાં રહ્યા તે ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. મુસ્લિમ સમાજમાંથી અપક્ષોનો રાફડો ફાટ્યો છે. ખાસ કરીને મુસ્લિમ ઉમેદવારો ઊભા હોય તેવી ભૂજ, વાગરા, વાંકાનેર, સુરત પૂર્વ, બેઠક પર તો ડઝનબંધ અપક્ષોએ ઉમેદવારી નોંધાવી મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કર્યો છે. એ જ રીતે અમદાવાદની જમાલપુર, અને દરિયાપુર બેઠક પર પણ અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટે તેમ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અપક્ષ ઉમેદવારોના સૌથી વધુ પ૦ લાખ જેટલા ભાવ જમાલપુર અને દરિયાપુર બેઠક પર બોલાય છે.
મોટાભાગે એવું જોવા મળ્યું છે કે અપક્ષો ભાજપ કે કોંગ્રેસનો ખેલ બગાડવા જ ઉમેદવારી નોંધાવતા હોય છે. આ ઉમેદવારોને હારજીત કરતા મોટા પક્ષો સાથે સેટિંગ કરી નાણાં ખંખેરવામાં જ રસ હોય છે. જો કે દરેક અપક્ષ ઉમેદવારોના કિસ્સામાં આવું હોતું નથી. પરંતુ મોટાભાગના કિસ્સામાં આવું જ જોવા મળે છે. અપક્ષો ભાજપ કરતાં કોંગ્રેસના ખાસ કરીને મુસ્લિમ ઉમેદવારો માટે માથાનો દુઃખાવો બની શકે છે. કોંગ્રેસે પ્રથમ તબક્કામાં ભૂજ, વાગરા, વાંકાનેર અને સુરત પૂર્વની બેઠક પર ઉમેદવારો ઊભા રાખ્યા છે ત્યારે વાગરામાં સૌથી વધુ ૧૧ મુસ્લિમ ઉમેદવારોએ અપક્ષ કે અન્ય પક્ષોમાંથી ઉમેદવારી નોંધાવી છે એજરીતે વાંકાંનેરમાંથી કુલ ૬ મુસ્લિમ ઉમેદવારો ભૂજમાંથી ૧ અને સુરત પૂર્વમાંથી પ મુસ્લિમ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતાં આ ચારે બેઠકો પર મુસ્લિમ ઉમેદવારો સામે મુસ્લિમ ઉમેદવારોને લડાવવાની ચાલ સફળ થતી હોય તેમ જણાય રહ્યું છે.
ચૂંટણી સમયે અપક્ષ ઉમેદવારોના રીતસર ભાવ બોલાતા હોય છે. ક્યાંક અપક્ષ ઉમેદવારોને ઊભા રાખવા ભાવ બોલાય છે તો ક્યાંક ખસી જવા ભાવ બોલાય છે અને જેટલો મજબૂત ઉમેદવાર એટલો ઊંચા ભાવ બોલાતા હોય છે.
બીજા તબક્કાની ચૂંટણી માટે હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે તેમાં મુસ્લિમ ઉમેદવારો ધરાવતી અમદાવાદની દરિયાપુર અને જમાલપુર બેઠક પર અપક્ષ ઉમેદવારનો રાફડો ફાટે તેવી સ્થિતિ સર્જાઈ છે. એટલે આ બંને બેઠકો પર અપક્ષ ઉમેદવારોના ભાવ રૂા. પ૦ લાખ કે તેથી વધુ બોલાઈ રહ્યા છે. ભાજપ દ્વારા નાણાંની લાલચ આપી આ બંને બેઠકો પર અપક્ષો કે નાના પક્ષોમાંથી ડઝનથી વધુ ઉમેદવારોને ઊભા રખાવી મુસ્લિમ બેઠક આંચકી લેવાનો પ્રયાસ શરૂ થઈ ચૂક્યો છે અને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવવા તમામ ખર્ચ સહિત ઉમેદવારને પથી ૧૦ લાખ કે તેથી વધુ આપવાના પ્રલોભનો આપવામાં આવતાં નાણાની લાલચમાં કેટલો લોકો આ પ્રલોભન સ્વીકારે છે તે ર૭મી સુધી સ્પષ્ટ થઈ જશે. જો કે આ બધામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓની જવાબદારી વધી જાય છે. કારણ કે મુસ્લિમ મતોનું વિભાજન સમાજને નેતૃત્વ વિહોણો બનાવી દેશે. નાણાની લાલચમાં ઈમાન વેચવા તૈયાર થતા લોકોને સમાજના આગેવાનોએ સમજાવવા જોઈએ કારણ કે આવા લોકોની નાદાની કે લાલચ સમગ્ર સમાજ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આથી દરેક વિસ્તારમાં અગ્રણીઓએ પ્રથમ તો આવા ઉમેદવારોને સમજાવટથી પરત ખેંચવા પ્રયાસો કરવા જોઈએ અને ન માને તો તેઓનો સામૂહિક બહિષ્કાર કરી એકતરફી જંગી મતદાન કરવા મુસ્લિમ સમાજને જાગૃત કરવા જોઈએ. તો જ વધુમાં વધુ મુસ્લિમ ઉમેદવારો વિધાનસભામાં ચૂંટાઈ આવશે.

દરિયાપુરમાંથી બે અપક્ષો અને એક એનસીપીના ઉમેદવારે ફોર્મ ભર્યા
દરિયાપુર વિધાનસભાની બેઠક પર મુસ્લિમ મતોનું વિભાજન કરવા અપક્ષો ચૂંટણીમાં ઝંપલાવશે તેવી જે દહેશત વ્યક્ત કરાતી હતી તે આજે સાચી પડી હતી. ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલી યાદી મુજબ અમદાવાદ જિલ્લાના આજે ત્રીજા દિવસે ૨૯ ઉમેદવારીપત્રો ભરાયા છે. સૌથી વધુ ચર્ચાસ્પદ દરિયાપુર બેઠક પર ત્રણ ફોર્મ ભરાયા છે. જેમાંથી બે અપક્ષો અને ૧ નેશનલ લીગ પાર્ટીના ઉમેદવારે ફોર્મ ભર્યું છે. આ ઉમેદવારોમાં દત્ત આકાશ (અપક્ષ), શેખ અબ્દુલસમદ (નેશનલ લીગ પાર્ટી) અને મોમીન રૂકનોદ્દીન મહંમદ હુસેન (અપક્ષ)એ ફોર્મ ભર્યા છે. એટલે કે, હાલ બે મુસ્લિમ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks