મુસ્લિમ વિસ્તારોમાંથી યાત્રા કાઢવાની પોલીસ વિભાગે પરવાનગી ન આપતાં વિરોધ પ્રદર્શન

વાપી, તા. ૬
વલસાડ જિલ્લાના વાપી શહેરમાં જન્માષ્ટમી ધામધૂમથી ઉજવવામા આવી હતી.
આ જન્માષ્ટમી પર્વની ઉજવણી નિમિત્તે વાપીમાં જન્માષ્ટમીની શોભાયાત્રા વાપી શહેર વિશ્વ હિંદુ પરિષદ બજરંગ દળ દ્વારા કાઢવામાં આવી હતી.
આ શોભાયાત્રા વાપી ટાઉન હનુમાન મંદિર પાસેથી નીકળી, વાપી બજારમાં થઈ રેલવે ઓવરબ્રિજ પરથી કોપરલી સ્ટેશન રોડ ચાર રસ્તા સિગ્નલ પાસે આવી હતી અને આ શોભાયાત્રા ઈમરાનનગર, ગોદાલનગરના મુસ્લિમ વિસ્તારોમાંથી નીકળી ગુંજન થઈ અંબામાતાના મંદિર પાસે પૂર્ણ થવાની હતી.
પરંતુ વાપી શહેર ટાઉન પોલીસ દ્વારા આ શોભાયાત્રા ઇમરાનનગર અને ગોદાલનગરના મુસ્લિમ વિસ્તારમાંથી કાઢવાની પરમીશન આપવામાં આવી ન હતી અને તેનું કારણ એ પણ હતું કે, રામનવમીની શોભાયાત્રા નીકળી હતી ત્યારે તે શોભાયાત્રામાં સામેલ તોફાની ટોળાએ આ વિસ્તારમાં શોભાયાત્રા ૪૫ મીનીટ સુધી ઉભી કરી દીધી હતી જેથી વાપી પોલીસના અધિકારીઓ દ્વારા અને મુસ્લિમ અગ્રણીઓ દ્વારા ખૂબ જ મહેનત કરી હતી અને અહીં કોઈ તોફાની બનાવ ના બને તે માટે પોલીસ તંત્રને ખૂબ જ સહકાર આપ્યો હતો. જેથી વાપી ટાઉન પોલીસ દ્વારા આ વખતે સાવચેતી રાખીને આ મુસ્લિમ વિસ્તારમાંથી શોભાયાત્રા પસાર થવાની પરમિશન ના આપી અને કોપરલી સ્ટેશન રોડ સિગ્નલ ચાર રસ્તા પાસેથી નીકળીને સળંગ ગુંજન રોડ પરથી પસાર થવાની પરમિશન આપવામાં આવી હતી.
શોભાયાત્રા જ્યારે વાપી ઓવરબ્રિજ પરથી ઈમરાન નગર તરફ જવા નીકળી ત્યાર ડી.વાય.એસ.પી. એસ.ડી. કુપાવત, વાપી ટાઉન પોલીસની આઈ.આર.ડી. મકવાણા તથા વાપી પોલીસના અધિકારીઓ દ્વારા આ શોભાયાત્રા અટકાવવામાં આવી હતી ત્યારે આ શોભાયાત્રામાં સામેલ વાપી શહેર વિશ્વ હિંદુ પરિષદ બજરંગ દળના કાર્યકરો દ્વારા આ શોભાયાત્રા ઈમરાનનગર તરફ જતી રોકવામાં આવતા પોલીસ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી કોપરલી ચાર રસ્તા પાસે જ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તેઓએ આ શોભાયાત્રા ઈમરાનનગર તરફના રસ્તેથી જ પસાર કરવામાં આવશે તેવી માગણી કરી હતી.
ત્યારબાદ ની.એચ.પી.ના કાર્યકરો દ્વારા વિરોધ કરી પોલીસ તંત્ર સામે સૂત્રો પોકારવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શન કરવામાં આવતા ચારે બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી અને રેલવે સ્ટેશનથી ટ્રેન પકડનારાઓ પણ આ જામમાં અટકી ગયા હતા.
આ શોભાયાત્રા પોલીસ તંત્ર સામે અગ્રણીઓની પણ ખૂબ જ જીભાજોડી થઈ ગઈ હતી અને આ શોભાયાત્રા ઈમરાનનગર તરફથી પસાર થવાની પરમિશન આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. અહીં જાહેરમાં બજરંગ દળના અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો દ્વારા ભારતીય જનતા પાર્ટીની વિરૂદ્ધ ભાજપ હાય હાયના નારા સાથે સૂત્રો પણ પોકારવામાં આવ્યા હતા.
ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ના પ્રમુખ મેહુલ પટેલે વાપી શહેર ડી.વા.એસ.પી. એસ.બી. કુપાવત સાથે વાત કરી હતી અને આ શોભાયાત્રા આગળ વધી હતી.
આ શોભાયાત્રા અંગે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અજીત સોલંકી એ ગુજરાત ટુડેના પત્રકારને જણાવ્યું કે, અમારી આ શોભાયાત્રા ઈમરાનનગર તરફથી મુસ્લિમ વિસ્તારમાંથી શાંતિથી પસાર થવાની હતી. પરંતુ વાપી શહેર પોલીસ દ્વારા અમારી સાથે રૂટનો આગ્રહ કરીને આ શોભાયાત્રા અટકાવવામાં આવી હતી. આ વિસ્તારમાં ઈમરાનનગર, ગોદાલનગર અને ગીતાનગરના મુસ્લિમ ભાઈઓને અમારી આ શોભાયાત્રા સામે કોઈ પણ પ્રકારનો વિરોધ નહોતો.
આ શોભાયાત્રા નીકળી હતી ત્યારે વાપી શહેરના મુસ્લિમ અગ્રણીઓ દ્વારા સમગ્ર આ વિરોધ પ્રદર્શન વખતે આ વિસ્તારમાં શાંતિ જાળવવા માટે વાપી પોલીસના અધિકારીઓને સાથે રાખી શાંતિની કામગીરી કરી હતી. અગ્રણીઓએ વાપી શહેર પોલીસ ડી.વાય.એસ.પી. એસ.બી. કુપાવત, વાપી શહેર ટાઉન પોલીસ પી.આઈ. આર.ડી. મકવાણા અને.એસ.આઈ. દેસાઈ, ગોહિલ તથા તમામ પોલીસ તંત્રનો તથા આ શોભાયાત્રા શાંતિથી પસાર કરવામાં જે અગ્રણીઓનો ફાળો હતો તેઓનો તથા નાગરિકોનો આભાર માન્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks