(એજન્સી) ઢાકા,તા.૬
૨૫ ઓગસ્ટના રોજ મ્યાનમારમાં હિંસા ભડકી ઊઠ્યા બાદ ૧,૨૫,૦૦૦ જેટલા રોહિંગ્યા મુસ્લિમ નિર્વાસિતોએ મ્યાનમાર છોડીને બાંગ્લાદેશમાં શરણું લીધું છે એવું મંગળવારે સંયુક્ત રાષ્ટ્રસંઘે જણાવ્યું હતું. બાંગ્લાદેશમાં ફાટફાટ થતી નિર્વાસિતોની છાવણીમાં માનવતાવાદી સંકટ ઊભું થવાની ભીતિ પ્રવર્તે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે જણાવ્યું હતું કે મ્યાનમારના હિંસાગ્રસ્ત રાખીને રાજ્યમાંથી છેલ્લા ૧૧ દિવસમાં ૧,૨૩,૬૦૦ રોહિંગ્યા મુસ્લિમો સરહદ ઓળંગીને બાંગ્લાદેશ ભાગી ગયા છે. બાંગ્લાદેશમાં તેમના આગમન સાથે નવી માનવતાવાદી આપત્તિ ઊભી થવાની દહેશત છે કારણ કે આ અગાઉ પણ બાંગ્લાદેશમાં ભરચક છાવણીઓમાં ૪ લાખ રોહિંગ્યા નિર્વાસિતો આવી ચૂક્યા છે. આ નિર્વાસિતોમાં ઘણા બધા ખુલ્લામાં સૂવે છે અને તેમને આહાર અને પાણીની તાતી જરુર છે એવું સંયુક્ત રાષ્ટ્રસંઘમાં બાંગ્લાદેશ ખાતેના મુખ્ય સંયોજકે એક અહેવાલમાં જણાવ્યું હતું.
નવા નિર્વાસિતોના ધસમસતા પૂર જેવા આગમનને કારણે એક જંગી માનવતાવાદી કટોકટી ઊભી થઇ રહી છે એવું બાંગ્લાદેશના અગ્રણી માનવ અધિકાર કર્મશીલ નૂર ખાન લિટોને જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોકો નિર્વાસિત છાવણીઓમાં, રસ્તાઓ પર શાળાના પટાંગણમાં અને ખુલ્લા આકાશ નીચે રહે છે. તેઓ નવી છાવણીઓ ઊભી કરવા વન્ય વિસ્તારમાં સાફસૂફી કરી રહ્યા છે. પાણી અને ખોરાકની તીવ્ર તંગી છે. રોહિંગ્યા ત્રાસવાદી જૂથે મ્યાનમારની સુરક્ષા ચોકીઓ પર સંકલિત હુમલા કર્યા બાદ મ્યાનમારના લશ્કર દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીને પગલે હિંસા અને અશાંતિ ભડકી ઊઠી હતી. રોહિંગ્યાને મ્યાનમારમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ તરીકે જોવામાં આવે છે અને દાયકાઓથી તેઓ કનડગતનો સામનો કરી રહ્યા છે એવું માનવ અધિકાર જૂથે જણાવ્યું હતું. રોહિંગ્યા મુસ્લિમો પર થઇ રહેલા હિંસક હુમલાને જોઇને ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ અને પાકિસ્તાને મ્યાનમારના નેતા આંગ સાન સુ કીને હિંસા રોકવા માટે માગણી કરી છે. માનવ અધિકારી સંઘો તેમજ સંયુક્ત રાષ્ટ્ર સંઘનું પણ આંગ સાન સુ કી પર દબાણ છે.