અમદાવાદ, તા.૧૭
અમદાવાદ શહેરમા આ વર્ષે પડેલા ૪૦ ઈંચથી પણ વધુ વરસાદને પરીણામે શહેરના વિવિધ છ જેટલા ઝોનમાં કુલ મળીને ૨૦૨ કિલોમીટરના મુખ્ય અને આંતરીક રસ્તાઓ તુટી જવા પામ્યા છે આ પરીસ્થિતિમા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર શહેરમાં છેલ્લા સાત વર્ષમા રસ્તાઓના રીસરફેસીંગની કાર્યવાહી કરવા પાછળ રૂપિયા ૧,૦૦૦ કરોડથી પણ વધુનો ખર્ચ કરવામા આવ્યો હોવા છતાં રસ્તાઓની સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે.આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર,અમદાવાદ શહેરમા ખરાબ રસ્તાઓને મામલે છેલ્લા બે માસથી પણ વધુના સમયથી શહેરીજનો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે.શનિવારે શહેરના અમરાઈવાડી વિસ્તારમા ખરાબ રસ્તાને લઈને પરેશાન એવા સ્થાનિક વેપારીઓ રોડ ઉપર ઉતરી આવ્યા હતા એટલુ જ નહી પરંતુ તેમણે રોડ અવર-જવર માટે બંધ કરી દેતા મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.આ અગાઉ શુક્રવારે પણ વિપક્ષ કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ વિસ્તારમા આવેલી મુખ્ય કચેરી ખાતે તુટેલા રસ્તાઓના મામલે ઉગ્ર દેખાવો કરવામા આવ્યા હતા.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળતી સામાન્ય માસિક સભામા પણ સતત ત્રણ બોર્ડ બેઠકથી અમદાવાદ શહેરના તુટેલા રસ્તાઓને લઈને વિપક્ષ ઉપરાંત શાસક પક્ષના કોર્પોરેટરો દ્વારા પણ ઉગ્ર રજુઆત કરવામા આવી રહી છે.આ પરિસ્થિતિમા શુક્રવારના રોજ સ્ટેન્ડીંગ કમિટીની બેઠક બાદ મેયર ગૌતમ શાહ અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પ્રવિણ પટેલને પણ એવી જાહેરાત કરવાની ફરજ પડી હતી કે,આગામી ૩૦ દિવસમા શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ મળીને ૧૦૬ કિલોમીટરના ૨૧૧ રસ્તાઓને રીસરફેસ કરી દેવામા આવશે આ માટે હાલ કામ કરતી સાત જેટલી એજન્સીઓને બદલે વધુ બે એટલે કે કુલ નવ એજન્સીઓને રસ્તાઓના રીસરફેસીંગની કાર્યવાહીમા જોડવામા આવશે.અમદાવાદ શહેરના વિવિધ છ ઝોનમાં આવેલા મુખ્ય તેમજ આંતરીક એમ મળીને કુલ ૨૦૨ કિલોમીટરના રસ્તાઓ તુટેલા હોઈ આ મામલે ગુજરાત હાઈકોર્ટમા પણ કરવામા આવેલી પીટીશનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે રિપોર્ટ માગવામા આવ્યો હતો.તંત્ર તરફથી સાત વર્ષમા શહેરના વિવિધ રસ્તાઓ પાછળ કુલ રૂપિયા ૧,૦૦૦ કરોડથી પણ વધુ રકમનો ખર્ચ કરવામા આવ્યો છે છતાં શહેરના રસ્તાઓની સ્થિતિમા કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી.
ક્યા કેટલો ખર્ચ કરાયો
પ્રોજેકટ રસ્તા(કિ.મી.) કુલ ખર્ચ(કરોડમા)
રીસરફેસ ૨૬૨.૭૨ ૬૨૬
ફેઝ-૧ ૩૭.૧૦ ૧૧૦
ફેઝ-૨ ૩૫.૦૦ ૧૦૫
માઈક્રા ેસરફેસ ૨૦.૦૦ ૧૦
મેસ્ટીક આસ્ફાલ્ટ ૭.૪૪ ૦૫
પ્લાસ્ટીક વેસ્ટ ૧ ૦૩
સ્ટોન મેટ્રીકસ ૦૦.૬૦ ૦૦.૬૦
આર.સી.સી ૧.૫ ૯.૫૦
પકવાન રોડ ૩.૨૫ ૨૩.૭૦
૨૦૧૬-૧૭ ૧૦૬ ૧૧૮.૦૦