(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૬
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આવાસ પર તેમની સાથે મુસ્લિમ બુદ્ધિજીવીઓની ખાસ મુલાકાત કરાવનારા ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના લઘુમતી વિભાગના ચેરમેન અને જોનપુરના ભૂતપૂર્વ ધારાસભ્ય, નદીમ જાવેદે કહ્યું કે, મુસલમાનોને સંબંધિત રાહુલ ગાંધીએ ના તો કોઈ ખોટી વાત કહી છે અને ના તો અખબારે કોઈ ખોટી વાત છાપી છે. મેં સંપૂર્ણપણે આ સમાચારનો ધ્યાનથી અભ્યાસ કર્યો છે. જો અખબારે આવું લખ્યું છે કે, ‘હા, કોંગ્રેસ મુસલમાનોની પાર્ટી છે, કારણ કે તે નબળી છે’ તો તેમાં ખોટું શું છે ? શું આપણે સરકાર કમિટીનો અહેવાલ ભૂલી ગયા છીએ કે, મુસલમાનોની સ્થિતિ દલિતોથી પણ ખરાબ થઈ ગઈ છે ? તેમણે કહ્યું કે, યાદ રાખો કે, કોઈ પણ દેશની પ્રગતિ કોઈ એક વર્ગની પ્રગતિથી થઈ શકતી નથી, પરંતુ દરેક વર્ગની પ્રગતિથી દેશ પ્રગતિ કરશે અને આ જ વાત રાહુલ ગાંધીએ કહી છે. નદીમ જાવેદે કહ્યું કે, જો દેશને સુપર પાવર બનાવવો છે, દુનિયાના વિકસિત દેશોની સાથે ઊભો કરવો છે તો દેશના નબળા વર્ગોની વાત કરવી પડશે, આપણે દલિતો અને મુસલમાનોના મુદ્દા ઉઠાવવા પડશે.