ઉનાના આથમણાથી ઉગમણા પડા જવા નદીમાંથી જીવના જોખમે પસાર થવું પડે છે

(સંવાદદાતા દ્વારા) ઉના, તા.૨
ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનું એક ગામ એવુું છે કે, જેની કુદરતે પ્રાકૃતિક દૃષ્ટિએ એવી રચના કરી છે કે, આ ગામને બે ભાગમાં વહેંચી વચ્ચે સો મીટર પહોળી રાવલ નદી આપી છે. ગામ લોકોએ એકથી બીજા કાંઠે અવર-જવર કરવી હોય તો ગામ વચ્ચે આવેલી નદીના અંદરથી પસાર થઇને ફરજિયાત જવું પડે ગામના લોકોને રોડ-રસ્તાની સુવિધા જોઇએ તો વીસ કિ.મી.નું અંતર ફરજિયાત કાપે તો વાહનની સુવિધા લોકોને મળી શકે. ઉના તાલુકાના આથમણા અને ઉગમણા પડા ગામની બન્ને કાંઠાની અંદાજિત વસ્તી પચીસોથી ત્રણ હજાર જેટલી છે. બન્ને ગામની પંચાયત કચેરી એક જ હોય ઉગમણા પડાના લોકોને કોઇ પણ નાના-મોટા સરકારી કામ માટે અથવા તો બાળકોને શિક્ષણ મેળવવા આરોગ્યની સુવિધા માટે ઉગમણા ગામે જવું પડે તો પોતાના જીવ જોખમમાં મૂકીને વચ્ચે આવેલી રાવલ નદીનું સો મીટરનું અંતર વહેતા પાણી પસાર થઇને જવુ પડે ખેતીવાડી વિસ્તાર મોટાપાયે આ બન્ને ગામ વચ્ચે આવેલ હોય ખેડૂતોએ પોતાના માલઢોરના ચણિયાર માટે પણ પશુઓને નદીમાંથી જ પસાર કરવા પડે સામાન્ય રીતે વર્ષના આઠ માસ નદીમાં પાણી ઓછા હોવાના કારણે લોકો આ પરેશાનીને વહેઠી લે છે. પરંતુ ચોમાસાની સિઝનમાં લોકોને ઇમરજન્સી સેવાઓ માટે અથવા તો કોઇપણ જીવન જરૂરી ચીજ-વસ્તુની ખરીદી કરવા ફરજિયાત આ નદીને પાર કરવી પડે છે. ગામ લોકોના કહેવા મુજબ આથમણા અને ઉગમણા પડા ગામ વચ્ચે આ સો મીટર નદી વચ્ચે ચેકડેમ વિથ કોઝવે પૂલ બનાવવા છેલ્લા વીસ વર્ષથી સરકારી બાબુઓ પાસે અને મત મેળવવા આવતા રાજનેતાઓ પાસે હાથ જોડી જોડીને વિનંતી રજૂઆતો કરવામાં આવે છે. પરંતુ આ રજૂઆતો બહેરા કાને અથડાતી હોય લોકોની મુશ્કેલી કે સમસ્યાનો ઉકેલ લાવવા કોઇને રસ જ ન હોય તેમ દેખાઇ આવે છે. આ બન્ને ગામના વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણ મેળવવા માટે દરરોજ સાત કિ.મી. સુધી ચાલીને બાજુમાં આવેલ મોટા સમઢિયાળા ગામે શાળાએ જવું પડે છે. આ ગામ જવા કોઇ વાહન વ્યવહારની વ્યવસ્થા છે જ નહીં એટલે બાળકોએ પાણીથી પસાર થઇને જવું પડે શાળાએ પહોંચતા બાળકોના કપડા અને ચોપડા પણ પલડી જતા હોય છે. ખેતીનો વ્યવસાય એકથી બીજા સામસામા કાંઠે આવેલ હોય વાડી વિસ્તારમાં રહેતા લોકો પણ આ સમસ્યાનો ભોગ બની રહ્યા છે.

નવી પેઢીને પૂલ કયારે જોવા મળશે : વર્ષા છેલાણા

શાળાએ અભ્યાસે જતી દીકરી વર્ષા કહે છે કે, અમે શિક્ષણ મેળવવા માંગીએ છીએ પણ અમારે શાળાએ જવું હોય તો રસ્તાના માર્ગે વાહનમાં જવું હોય તો વીસ કિ.મી.નું અંતર ધોકડવા અથવા સામતેર ફરીને જવું પડે એટલે ફરજિયાત અમારે નદી પાર કરવી પડે અમારે તો હવે નવી પેઢીને કયારે પૂલની સુવિધા મળે છે તે જોવાનુ રહ્યું.

ચૂંટણીઓ આવે ત્યારે પૂલ બનાવવાના સ્વપના બતાવાય, મત મેળવ્યા બાદ ગાયબ : જોધુભાઇ ખેડૂત

ખેડૂત અગ્રણી જોધુભાઇ કહે છે કે, જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે દરેક પક્ષના નેતાઓ પૂલ બનાવી દેશું તેવા સ્વપના દેખાડે અને મત પેટીમાં પુરાઇ ગયા બાદ આ નેતાઓ પાંચ વર્ષ સુધી ગામના જાપામાં પણ દેખાતા નથી અને અમારે એ સમસ્યા વચ્ચે જિંદગી પસાર કરવી પડે.

સરકાર કહે છે બેટી પઢાવો, આમાં અમારે કેમ પઢાવી : ઉદયસિંહ ગોહિલ

ગ્રા.પ.ના સદસ્ય ઉદયસિંહ ગોહિલે જણાવ્યું કે, એક તરફ સરકાર દીકરીને ભણાવવા પર ભાર મૂકે છે. બીજી તરફ બાળ જિંદગીને જોખમમાં મૂકીને ભણાવવા માટે સાત કિ.મી. દૂર સો મીટર નદીના વહેતા પાણીમાંથી પસાર કરીને મૂકવા જવું પડે છે. વિકાસની વાતો કરતી આ સરકાર એક પૂલ બનાવી ન શકે તો આમાં અમારે દીકરીને કેમ પઢાવી તેમેજ કહે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks