અમદાવાદ, તા.૮
ક્રાંતિદિન, યુથ કોંગ્રેસ દિવસ અને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભારતીય રાષ્ટ્રીય યુવા કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ દ્વારા આવતીકાલ તા.૯-૮-ર૦૧૮ને ગુરૂવારે બપોરે ૩.૩૦ કલાકે પાલડી કોચરબ આશ્રમથી નફરત છોડો અભિયાન હેઠળ ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા ગાંધીનગર, હિંમતનગર, શામળાજી થઈ રાજસ્થાન અને રાજસ્થાનના વિવિધ જિલ્લાઓમાં થઈ હરિયાણાના અનેક જિલ્લાઓમાં થઈ ૧પ ઓગસ્ટના રોજ દિલ્હી રાજઘાટ પહોંચશે.
ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું છે કે, આ યાત્રા પ્રથમ દિવસે પદયાત્રાના માધ્યમ થી કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ સુધી જશે. બીજા દિવસે સાબરમતી થી નીકળીને “નફરત છોડો, ગાંધી સંદેશ યાત્રા” ગાંધીનગર, હિંમતનગર, શામળાજી થઇ રાજસ્થાનમાં પ્રવેશ કરશે. આ યાત્રા રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં થઇ હરિયાણામાં અનેક જિલ્લાઓમાં થઇ ૧૫ ઓગષ્ટના દિવસે દિલ્હી રાજઘાટ પહોચશે.
છેલ્લા ચાર વર્ષમાં સમગ્ર દેશમાં ભય અને હિંસાનું વાતાવરણ ઉભું થયું છે તેની સામે યુવક કોંગ્રેસના સાથીઓ દ્વારા ગાંધીજીના અહિંસા, પ્રેમ, ભાઈચારા, દયા અને કરુણાના વિચારોને દેશની પ્રજા વચ્ચે લઇ જવાનું કામ કરશે. એક ચોક્કસ પ્રકારની વિચારધારા દ્વારા ધર્મ, જાતિ, પ્રાંત અને ભાષાના નામે સમાજના અને દેશના લોકોની વચ્ચે વિભાજન કરવામાં આવી રહ્યું છે તેને વિરોધમાં યુવક કોંગ્રેસ દ્વારા “નફરત છોડો, ગાંધી સંદેશ યાત્રા” ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ગુજરાતનું શ્રેષ્ઠ નેતૃત્વ અને યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય હોદ્દેદારો સહીત મોટી સંખ્યામાં યુવાનો હાજર રહેશે.