(એજન્સી) નવી દિલ્હી,તા.૨૯
વારાણસીમાં પાર્ટીના વિભિન્ન વિભાગોના કાર્યકર્તાઓની સાથે નરેન્દ્ર મોદી એપના માધ્યમથી સંવાદ કરતા વડાપ્રધાને કહ્યું કે સોશિયલ મીડિયા પર ક્યારેક ક્યારેક લોકો પોતાની મર્યાદાઓ ભૂલી જાય છે. કોઈ પણ ખોટી વાત સાંભળે છે અને તેને શેર કરી નાખે છે. સોશિયલ મીડિયા પર અનેકવાર લોકો પોતાની મર્યાદા પાર કરી નાખતા હોય છે. જેનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે એક જવાબદાર નાગરિક તરીકે બધાનું કર્તવ્ય છે કે તેઓ આ ટેક્નોલોજીના પ્લેટફોર્મનો ઉપયોગ નફરત અને ગંદકી ફેલાવવા માટે ન કરવાનો સંકલ્પ લેવો જોઇએ.
વડાપ્રધાને કહ્યું કે અનેકવાર તો લોકો તેને સાંભળતા પણ નથી. અનેક લોકો એવા શબ્દોનો ઉપયોગ કરે છે કે સભ્ય સમાજમાં અસ્વીકાર્ય છે, શોભા આપતું નથી. મહિલાઓ વિરુદ્ધ આવા શબ્દોનો ઉપયોગ કરાય છે. મોદીએ કહ્યું કે, આ કોઈ રાજકીય પક્ષની વાત નથી. તે સવા સો કરોડ લોકોનો વિષય છે. આવામાં આપણે સંકલ્પ લઈએ કે આ સોશિયલ મીડિયાના ટેક્નોલોજીના પ્લેટફોર્મનો ઉપયોગ ક્યારેય ગંદકી ફેલાવવા માટે ન કરીએ.
આ સાથે જ તેમણે કહ્યું કે, સ્વચ્છતા અભિયાન દિમાગી સ્વચ્છતા સાથે પણ જોડાયેલું છે. મોદીએ કહ્યું કે મોહલ્લામાં તૂ તૂ મેં મેં દરેક દેશમાં થતું હશે. પહેલા ક્યારેય ગામમાં કોઈને ભનક સુદ્ધા લાગતી નહતી. હું તો ક્યારેક ક્યારેક સ્તબ્ધ થઈ જાઉ છું કે આજે બે પાડોશીઓની લડાઈને પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરી દેવાય છે. જે નેશનલ ન્યૂઝ પણ બની જાય છે.
પીએમ મોદીએ કાર્યકર્તાઓને કહ્યું કે, તેઓ બદલાતા ભારતની તસવીરો લોકોને દેખાડવા માટે મોબાઈલથી નાના નાના વીડિયો તૈયાર કરો અને તેને સોશિયલ મીડિયા પર શેર કરો. તેમણે ભાર મૂક્યો કે આજે ભારતના દરેક ગામમાં વીજળી છે, ભારત સૌથી વધુ ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા છે, દેશ સૌથી ઝડપથી આગળ વધતા વિમાન બજાર અને સૌથી મોટા મોબાઈલ ફોન વિનિર્માતા બની ગયો છે. આવામાં આપણી પાસે પણ ઘણું બધુ છે જે લોકોને ગોરવાન્વિત કરી શકે છે.
વડાપ્રધાને મંડળ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને કહ્યું કે ૨૧થી ૨૩ જાન્યુઆરી સુધી બનારસમાં થનારા પ્રવાસી ભારતીય સંમેલન ભાજપનું નહીં, કાશીવાસીઓનું હોવું જોઈએ. સાથે જ તેમણે શહેરને સંવારવાની ટિપ્સ આપી.પ્રવાસી ભારતીય દિવસના આયોજનની તૈયારી પર વડાપ્રધાને કહ્યું કે શહેરને સ્વચ્છ રાખવાનું અભિયાન ચલાવવામાં આવે.