નવી દિલ્હી, તા. ૬
વરિષ્ઠ પત્રકાર અને કટ્ટરપંથીઓની ટીકાકાર રહેલી ગૌરી લંકેશની મંગળવારે સાંજે બેંગ્લુરૂના તેમના ઘરે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. ૫૫ વર્ષના ગૌરી લંકેશ ‘લંકેશ સામયિકં’નું સંચાલન કરી રહ્યા હતા જેને તેમના પિતા પી લંકેશે શરૂ કરી હતી. ગૌરીએ તાજેતરમાં જ લેખિકા અને પત્રકાર રાના ઐયુબના પુસ્તક ‘ગુજરાત ફાઇલ્સ’નું કન્નડમાં અનુવાદ કર્યું હતું. ગૌરીની હત્યા બાદ રાના ઐયુબે ટિ્વટ કરી છે કે, ‘મારા પુસ્તકનું કન્નડમાં સંસ્કરણ છાપનારા મારા મહિલા મિત્ર ગૌરી લંકેશની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. દેશની દરેક શેરીમાં એક ગોડસે ફરી રહ્યો છે.ગૌરીને લગભગ દરેક કટ્ટરપંથી સંગઠન તરફથી ધમકી મળી હતી.’ રાણા ઐયુબ તેમની મિત્ર ગૌરીને લઇ ઘણા ભયભીત રહેતા હતા. એક સમાચાર એજન્સી સાથે વાત કરતા તેમણે જણાવ્યંુ હતું કે, મને ડર લાગતો હતો કે, તેમણે આવા કામ કરવા જોઇએ કે નહીં. તેમની હત્યા એવા જ લોકોનું કામ છે જેઓ તેમના અવાજથી ડરતા હતા. બેંગ્લુરૂમાં અથવા એવું કહો કે, સમગ્ર દેશમાં તેઓ એકલા એવા મહિલા હતા જેમનો અવાજ કટ્ટરપંથી તાકતો વિરૂદ્ધ ઉઠી રહ્યો હતો અને તેમની હત્યા તેમણે જ કરી હોવી જોઇએ.
રાના ઐયુબે કહ્યું છે કે, ‘ગૌરી લંકેશે ઘણીવાર તેમને જણાવ્યું હતું કે, તેમની વિચારધારા, લેખો અને ભાષણો બાબતે તેમને અવારનવાર ધમકીઓ મળતી રહે છે. હું તાજેતરમાં જ કેનેડા ગઇ હતી અને ત્યાં જતા પહેલા ગૌરી સાથે વાત થઇ હતી. તેમની ઇચ્છા હતી કે, હું બેંગ્લુરૂ જઇ મારા પુસ્તકનું વિમોચન કરૂં. મંગળવારે હું પરત ફરી ત્યારે મેં મારી વિરૂદ્ધ ચાલી રહેલા કટ્ટરપંથી પ્રોપેગંડા અંગે એક પોસ્ટ લખી હતી. ત્યારબાદ ગૌરીએ મને સંદેશ મોકલ્યો હતો કે, તમે ડરો નહીં અને જે કરી રહ્યા છો તે નિડર બનીને કરતા રહો.’ ગૌરી લંકેશની હત્યાને કારણે લેખકો, પત્રકારો, બુદ્ધિજીવિઓ અને બોલિવૂડના કલાકારોએ આકરી ટીકા કરી છે, સાથે જ દેશમા બદલાતી જતી સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરી છે.