જંબુસર,તા.૩
જંબુસર નગરના પૂર્વ વિસ્તારની સોસાયટીઓ પાસેથી પસાર થતા વરસાદી કાંસની પાલિકા દ્વારા સફાઈ નહી કરાતા તથા પાલિકા દ્વારા પ્રિમોન્સુલ કામગીરી ફકત કાગળ ઉપર જ કરી હોવાના આક્ષેપ સાથે આ વિસ્તારના રહીશોએ પાલિકા ખાતે હલ્લો બોલાવીને મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરીને વધુ વરસાદ પડે તો ઘરોમાં પાણી ભરાઈ જાય તેવી ભીતિ વ્યકત કરી હોવાના સમાચાર સાંપડયા છે.
જંબુસર નગરના પૂર્વ વિસ્તારમાં રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ બાલાનગર, પંચશીલ, પ્રભુકૃપા, શ્રીજીકુંજ, પટેલ સોસાયટી વગેરે સોસાયટીઓ પાસેથી પસાર થતા વરસાદી કાંસની સફાઈ પાલિકા દ્વારા બરાબર નહીં કરાતા વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઉભો થાય તેવી ભીતિ હતી અને તેના પરિણામે આ વિસ્તારની સોસાયટીઓના મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જાય તેવી શકયતાઓ રહેલી હોય આજરોજ આ વિસ્તારની સોસાયટીના રહીશો નગરપાલિકા ખાતે ધસી ગયા હતા અને ત્યાં હાજર મુખ્ય અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆત કરીને પાલિકા દ્વારા પ્રિમોન્સુના કામગીરી ફકત કાગળ ઉપર જ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરી વરસાદી કાંસની સફાઈ બરાબર થઈ નથી તેમ જણાવાયું હતું અને મુખ્ય અધિકારી રાહુલ ઢોડિયાને સ્થળ નિરીક્ષણ કરવા આ વિસ્તારના રહીશો સાથે લઈને નીકળ્યા હતા. અને રહીશોએ આ વિસ્તારની પરિસ્થિતિથી મુખ્ય અધિકારીને વાકેફ કરી તાકીદે વરસાદી કાંસની સફાઈ કરાવવા માગ કરી હતી. આ લખાય છે ત્યારે આ વિસ્તારના રહીશોના હલ્લા બાદ સફાળે જાગેલા પાલિકાના વહીવટીતંત્રએ વરસાદી કાંસની સફાઈ કરવાનું શરૂ કર્યું છે.