(એજન્સી) નાગપુર, તા. ૧૩
મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલા ભરસિંગી ગામમાં ગૌમાંસ લઇ જવાની શંકામાં એક હિંસક ટોળા દ્વારા મુસ્લિમ પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. ટોચની સમાચાર એજન્સી દ્વારા આ ઘટનાનો વીડિયો શેર કરાયો હતો જે અનુસાર આ ઘટના બુધવારે ૧૨ જુલાઇની છે. જ્યારે પોલીસે આ ઘટના અંગે ફરિયાદ નોંધી ચાર લોકોની ધરપકડ કરી છે. અહેવાલ અનુસાર માંસનું સેમ્પલ ફોરેન્સિક લેબોરેટરીને મોકલી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે દેશમાં જ્યારથી મોદીની આગેવાનીવાળી સરકાર આવી છે ત્યારથી લઘુમતીઓ પર ગાય અને લવ જિહાદના નામે હુમલા થઇ રહ્યા છે અને ઘણી ઘટનાઓમાં તો મુસ્લિમોની હત્યા કરી દેવામાં આવે છે.
પોલીસની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને માહિતી મેળવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટનામાં ફરિયાદ નોંધી લેવામાં આવી છે અને ચારની અટકાયત કરી તેમની પૂછપરછ ચાલુ છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૌભક્તિના નામે હત્યા અસ્વીકાર્ય ગણાવી કડક પગલાં લેવાની ચેતવણી આપ્યા છતાં તેની ધરાર અવગણના થઇ રહી છે. ગાયનું માંસ અથવા ગાયની તસ્કરી કરવાની અફવા ફેલાવી ઢોેર માર મારી હત્યા કરી દેવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ગત મહિને ઇદ પહેલા જ ૧૫ વર્ષના જુનૈદની આવા જ એક ટોળાએ માર મારી હત્યા કરી દીધી હતી. જુનૈદ પોતાના મોટા ભાઇ અને મિત્રો સાથે દિલ્હીથી ઇદની ખરીદી કરી પરત પોતાના ઘરે આવી રહ્યો હતો ત્યાં ટ્રેનમાં બેસવા મુદ્દે વિવાદ શરૂ થયો હતો અને ટોળાએ તેમને બીફ ખાનારા ગણાવી તમામને માર માર્યો હતો અને તેમા જુનૈદની હત્યા કરી દેવાઇ હતી. ત્રીજી જુલાઇએ આસામના સોનપુરમાં કેટલાક લોકોએ ટ્રકમાં ગાયો ભરીને લઇ જનારા મુસ્લિમ વ્યક્તિને રોકી તેની સાથે મારઝૂડ કરી હતી. જ્યારે ૩૦મી જૂને ઝારખંડમાં અલીમુદ્દીન નામના શખ્સની પણ મારપીટ કરવામાં આવી હતી. જ્યારે ગત એપ્રિલમાં અલવરમાં પહલૂખાન અને તે પહેલા યુપીના દાદરીમાં અખલાકની ટોળા દ્વારા માર મારી હત્યા કરવાના મામલે ભાજપની કેન્દ્ર સરકારને આકરી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે.