ભૂજ, તા.૧૪
ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત આજ રોજ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કચ્છના નખત્રાણા ખાતે કોંગ્રેસ ઉપર વિવિધ મુદ્દે પ્રહાર કર્યા હતા.
ગુજરાતની ગૌરવયાત્રા દેશ માટે અનુકરણીય બનશે તેમ જણાવી યોગી આદિત્યનાથે નખત્રાણામાં જાહેરસભાને સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે વર્ષો સુધી દેશમાં શાસન કરનાર કોંગ્રેસને વિકાસ મુદ્દે કોઈ પ્રશ્ન ઉઠાવવાનો અધિકાર નથી. દેશમાં ગરીબી, આતંકવાદ, નકસલવાદ માટે માત્રને માત્ર કોંગ્રેસ જવાબદાર છે. કચ્છમાં ભૂકંપ પુનઃવસન કામગીરીની સરાહના કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલને ભાજપે સૌથી વધુ સન્માન આપ્યું છે તેમ જણાવી ગુજરાતના પાટીદારોને ટકોર કરી હતી અને જણાવ્યું કે ભાજપ જાતિવાદમાં માનતું નથી.
યોગી આદિત્યનાથની સાથે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કચ્છ ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ સાથે રહ્યા હતા. નખત્રાણા અગાઉ યોગી આદિત્યનાથે ભૂજ ખાતે સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી અને સંતગણ સાથે ચર્ચા કરી હતી. તા.૧૪/૧૦ના રોજ યોગી આદિત્યનાથે કચ્છમાં નખત્રાણા ઉપરાંત મુન્દ્રા-ગઢશીશા ખાતે પણ ભાજપની જાહેરસભા સંબોધી હતી.