(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૬
શહેરના કોંગ્રેસનાં જાગૃત કાઉન્સીલર ફરીદ કટપીસવાલા દ્વારા તાજેતરમાં મળેલ સભામાં શહેરમાં ભેળસેળ યુકત બટર, ચિઝ, પનીર તથા માવા વેચાઇ છે તે અંગેની રજુઆત કરી હતી. જેને પગલે જાગેલ સેવાસદનનાં આરોગ્ય તંત્રએ આજે બટર, ચિઝ, પનીર અને માવાનું વેચાણ કરતી દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકીંગ દરમિયાન બટર, ચિઝ અને પનીરના નમુના લીધા હતા. અને પૃથકરણ માટે મોકલી આપ્યા હતા. પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા મહાનગર સેવા સદનના કાઉન્સિલર ફરીદ કટપીસવાલાએ તાજેતરમાં શહેરમાં માવો ભેળસેળવાળો મળી રહૃાો છે. તેની તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. જે રજૂઆતના પગલે આજે આરોગ્ય વિભાગ દ્વારા બટર, ચિઝ, પનીર અને માવાનું વેચાણ કરતી દુકાનોમાં કડક ચેકીંગ હાથ ધર્યું હતું. આરોગ્ય વિભાગના અધિકારી ડો. મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ ૩ ટીમો દ્વારા શહેરના ખંડેરાવ માર્કેટ, રાવપુરા, જેતલપુર રોડ વિસ્તારમાં માવો, બટર, પનીર અને ચિઝનું વેચાણ કરતી દુકાનોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન બટર, ચિઝ, પનીર અને માવાના નમુના લીધા હતા. અને આ નમુના પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, બટર, પનીર, માવો અને ચિઝનું ચેકીંગ દરમિયાન કોઇ દુકાનમાંથી અખાદ્ય ચીજવસ્તુ મળી આવી નથી. આ ચેકીંગ આગામી આવી રહેલા તહેવારોને ધ્યાનમાં લઇને કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.