અમદાવાદ,તા.પ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અમદાવાદ જનમાર્ગ લિ. (બીઆરટીએસ) કંપનીની આજે યોજાયેલી બોર્ડ બેઠકમાં મુકાયેલા ઈન્ટરનલ ઓડિટના રિપોર્ટ મુદ્દે મ્યુનિ. વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માએ સણસણતા આક્ષેપો સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. ઓડિટર દ્વારા અપાયેલા ઓડિટ રિપોર્ટમાં સત્તાધિશોની પોલ ખોલવામાં આવી છે. કંપનીમાં કરોડો રૂપિયાનો હિસાબ મળતો નથી. મોટાપાયે નાણાકીય ગેરરીતિની શકયતા છે. ઓડિટર દ્વારા રજૂ કરવામાં આવેલા દરેક વાંધાનો ખુલાસો કરવાના બદલે આવતા વર્ષે તમામ વાંધાઓનો ઉકેલ લાવી દઈશું તેવો એક લીટીનો ખુલાસો કરવામાં આવ્યો છે.
ઓડિટ રિપોર્ટ મુજબ મ્યુનિ. દ્વારા જે તે વખતે કંપનીને જુના વર્ષોમાં પ્રમોટર કોન્ટ્રીબ્યુશન પેટે રૂા.પ૮ કરોડ જેટલી માતબર રકમ આપવામાં આવી હતી. આ રકમ કયાં ખર્ચાઈ તેનો કોઈ હિસાબ જ નથી. જનમાર્ગ લિ. દ્વારા મુસાફરો પાસેથી ટિકિટની સાથે પેસેન્જર ટેક્ષ અને સ્ટેજ કલિયર ટેક્ષ ઉઘરાવવામાં આવે છે પણ તે સરકારમાં જમા કરવામાં આવતો નથી એ રૂપિયા કયાં ગયા તે પણ મોટી નાણાકીય ગેરરીતિ તરફ ઈશારો કરે છે કંપની જીએસટી ડિપાર્ટમેન્ટ પાસેથી ૯.૧૧ કરોડ લેવાના નિમ્બે છે. જયારે જીએસટી સત્તાવાળાના રેકર્ડ મુજબ આ રકમ માત્ર ર.૪૯ કરોડ છે. એટલે કે રૂા.૬.૬ર કરોડનો તફાવત કેમ ઉભો થયો તેની કોઈ સ્પષ્ટતા કરી શકી નથી. વિરોધ પક્ષના નેતા વધુમાં જણાવે છે કે જનમાર્ગ કંપની દર વર્ષે પ૪ કરોડ નુકસાન કરે છે. નવી શટલ બસ દૈનિક ૧ લાખનું નુકસાન કરે છે ઓડિટરે નોલંધ કરી છે કે કંપનીની નાણાકીય સ્થિતિ સારી નથી. એટલે તેની બેલેન્ટ શીટ ગોઈગ ડન્સર્ન (ગમે ત્યારે શટર પડી શકે તેવી) પ્રમાણે તૈયાર થવી જોઈએ. જો કે કંપનીએ સ્પષ્ટતા કરી છે કે એએમસી ગ્રાન્ટ આપશે એટલે કંપની કાર્યરત રહેશે. પણ આ કંપની કેટલા વર્ષ ચલાવવામાં આવશે. તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. કંપનીમાં નાણાકીય વ્યવહારોના નિર્ણય લેવાની કોઈ વ્યવસ્થા જ નથી. મનફાવે તેમ નાણાકીય નિર્ણય લેવાઈ રહ્યા છે. નાણાકીય વ્યવહારો અંગે નિયંત્રણની કોઈ વ્યવસ્થા જ નથી.
આ ઉપરથી ઓડિટર દ્વારા ઘણી ટિપ્પણીઓ અને રીમાર્ડ કરવામાં આવી છે. છતાં કંપની દ્વારા જરાપણ ગંભીરતા દાખવવામાં આવતી નથી. આથી ઓડિટ રિપોર્ટને વાંધા સાથે મંજૂરી આપવા અને ઉપસ્થિત કરેલા વાંધાઓની નોંધ મીટિંગ મીનિટસમાં મુકવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.