National

છેવટે PM મોદીએ ચૂંટણી પ્રચારમાં રામ મંદિરનો આશરો લઈ જ લીધો

(એજન્સી) જયપુર, તા. ૨૬
રાજસ્થાનમાં રવિવારે ભાજપ માટે ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા વડાપ્રધાન મોદીએ અંતે અયોધ્યા મુદ્દાનો આશ્રય લીધો હતો. અલવરમાં એક ચૂંટણી સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ મહાભિયોગનો ડર બતાવી સુપ્રીમ કોર્ટના જજોને ભયભીત કરી રહી છે જેના પરિણામે અયોધ્યા કેસની સુનાવણીમાં વિલંબ થઇ રહ્યો છે. ચૂંટણી સભાને સંબોધતા મોદીએ કહ્યું કે, જ્યારે અયોધ્યાનો કેસ ચાલી રહ્યો હતો ત્યારે કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના એક સભ્ય કહે છે કે, ૨૦૧૯ સુધી કેસ ચલાવશો નહીં કારણ કે, ૨૦૧૯માં ચૂંટણી છે. દેશના ન્યાયતંત્રને આ રીતે રાજનીતિમાં ઘસીટવું કેટલું યોગ્ય છે.
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસના મુસ્લિમ તરફી વકીલોમાંથી એક કોંગ્રેસના સાંસદ કપિલ સિબ્બલનું નામ લીધા વિના પીએમ મોદીએ કહ્યું કે, ભયની યુક્તિઓ અજમાવી કોંગ્રેસ રામ મંદિરના કેસમાં વિલંબ કરાવી રહી છે. જ્યારે સુપ્રીમના કોઇ જજ અયોધ્યા જેવા સંવેદનશીલ મુદ્દામાં દેશને ન્યાય અપાવવાની દિશામાં બધાને સાંભળવા માગે છે ત્યારે કોંગ્રેસના રાજ્યસભાના વકીલ સુપ્રીમના ન્યાયમૂર્તિઓને મહાભિયોગ લાવીને તેમને ડરાવે-ધમકાવે છે. વડાપ્રધાનનું નિવેદન ત્યારે આવ્યું છે જે દિવસે વીએચપી અને શિવેસના ૬ ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે શહીદ કરાયેલી બાબરી મસ્જિદના સ્થાને હવે રામ મંદિર બનાવવાની માગ સાથે લાખોની સંખ્યામાં અયોધ્યામાં એકઠા થયા છે. ૨૯મી ઓક્ટોબરે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની બેંચે બાબરી મસ્જિદ- રામ જન્મભૂમિના કેસની સુનાવણી જાન્યુઆરી ૨૦૧૯ સુધી ટાળી દીધી હતી. આરએસએસ અને વીએચપી જેવા ભગવા કટ્ટરવાદી સંગઠનો મોદી સરકાર સમક્ષ રામ મંદિર બનાવવા માટે કાયદો લાવવા દબાણ કરી રહ્યા છે. જો કે, અત્યારસુધી મોદી આ મુદ્દે મૌન સેવીને બેઠા હતા પરંતુ રાજસ્થાનમાં રવિવારે તેમણે ફરી આ મુદ્દો ઉઠાવ્યો હતો.