નવી દિલ્હી, તા. ૬
ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ શૌરીએ એક જ અઠવાડિયામાં બીજી વખત પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, તેમને સમર્થન સૌથી મોટી ભૂલ હતી. શુક્રવારે કસૌલી ખાતે કુશવંતસિંહ સાહિત્ય ઉજવણીની છઠ્ઠી એડીશન દરમિયાન પોતાના ભાષણમાં શૌરીએ જણાવ્યું હતું કે, મેં ઘણી મોટી ભૂલો કરી છે જેમાં પહેલા વીપી સિંહને સમર્થન અને બાદમાં નરેન્દ્ર મોદીને સમર્થન કરીને કરી છે. વર્ષ ૨૦૦૨-૦૪માં માહિતી અને પ્રસારણ મંત્રી રહી ચૂકેલા અરૂણ શૌરી શા માટે સત્તાધીશો સર્વસ્વીકૃત છે તે અંગે ભાષણ આપી રહ્યા હતા.
આર્થિક નીતિઓ, સતત નીચે જતા વિકાસ દર અને બેરોજગારી પર સરકારની ઝાટકણી કાઢનારા અરૂણ શૌરી બીજા વરિષ્ઠ નેતા છે. ગયા અઠવાડિયે ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિંહાએ અર્થતંત્રને નીચે લાવવા બદલ સરકારનો ઉધડો લેતા ચેતવણી આપી હતી કે, તેની ઘણી માઠી અસર પડશે. અટલબિહારી વાજપેયી મંત્રીમંડળમાં સિંહા નાણામંત્રી પદે હતા. બીજી તરફ ભાજપે બચાવ કરતા જણાવ્યું હતું કે, પાર્ટીમાંથી કોરાણે મુકી દેવાને કારણે શૌરી અને સિંહા હતાશ થઇ આવા નિવેદનો કરી રહ્યા છે. આજના નેતાઓ અંગે શૌરીએ જણાવ્યું હતું કે, હું અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે વાત કરી રહ્યો છું. તેઓ આપણા દેશના લોકો સાથે સામ્યતા ધરાવે છે.આજના નેતાઓ લુચ્ચા અને અહંકારી છે. નોટબંધી બાદ જાણે પોતે જ પીડિત હોય તેવા ઢોંગ કર્યા જેમ કે, ‘નોટબંધી કે બાદ મુઝે કીતને ઝુલ્મ સેહને પડે’ જેવી વાતો કરે છે. આજના મીડિયાની ભૂમિકા વિશે પણ ઘેરૂ દુઃખ વ્યક્ત કર્યું હતું. આજના મીડિયાને શું થયું છે, કોઇ તેમને સત્ય જણાવતું જ નથી. ઉલ્લેખનીય છે કે, અરૂણ શૌરીને પત્રકારિતામાં ૧૯૮૨માં રેમન મેગ્સેસે એવોર્ડ મળેલો છે.