મહેસાણા, તા.૧૭
નર્મદાના જળને વધાવવા માટે જિલ્લાના ૩૪૧ ગામડાંઓને આવરી લેતી આ નર્મદાયાત્રા ગામડે-ગામડે ફરી નાગરિકોને નર્મદાજળની વધામણી આપી અને તેનું મહત્ત્વ સમજાવી પાણીના ટીપે-ટીપાની બચત કરવાનો સંદેશ જનતાને આપ્યો હતો. મહેસાણા જિલ્લામાં કડી કલ્યાણપુરા રોડ, કડી થોળ રોડ, કડી દેત્રોજ રોડ ઉપર ૧૬ અને ૧૭ સપ્ટેમ્બરે રોશની કરી રાજમાર્ગોને શણગારવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ બંને દિવસોમાં નગરપાલિકા ચોક ખાતે નર્મદાનું મહત્ત્વ સમજાવતી ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી. જેનો લાભ સ્થાનિક પ્રજાએ લીધો હતો. નર્મદા યોજના થકી ગુજરાત રાજ્યને અનેક ગણા લાભો જેવા કે ખેતીલાયક પૂરતું પાણી, શહેરો તથા ગામડાઓ માટે પીવાનું પાણી અને તેની સાથે સાથે પાણીથી વીજળીના ઉત્પાદનમાં પણ વધારો થયો છે. જેનો લાભ ગુજરાતની ૪ કરોડથી પણ વધુ પ્રજાને મળનાર છે. કડી ખાતે ૧૬ અને ૧૭ સપ્ટેમ્બરે વિવિધ જગ્યાએ કરેલ રોશનીથી શહેર ઝળહળી ઊઠ્યું હતું.