(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૨૪
રાજ્યમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિ તેમજ હવામાન વિભાગ તરફથી આગામી ત્રણ દિવસ હજુ ભારેથી અતિભારે વરસાદ અંગે કરવામાં આવેલી જાહેરાત બાદ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રાજયમાં યોજાનારા નર્મદા મહોત્સવ તેમજ અમદાવાદમાં યોજાનારા હેરીટેજ સમારોહને મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પુરથી પ્રભાવિત અને અસરગ્રસ્ત એવા બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લેતા અગાઉ સ્ટેટ કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી.બાદમાં તેમણે કહ્યુ કે,રાજસ્થાનમાં સર્જાયેલી પુરની પરિસ્થિતિ બાદ છોડવામાં આવી રહેલા પાણી, રાજયમાં ભારે વરસાદને પરિણામે અતિવૃષ્ટી જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યુ છે. સરકારે પરિસ્થિતિને પહોંચી વળવા તમામ તકેદારીના પગલાં ભર્યા છે. વડાપ્રધાનને પણ વિગતો પહોંચાડવામાં આવી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર જરૂરી એવી તમામ મદદ કરશે. રાજયમાં નર્મદા મહોત્સવની ઉજવણી હાલની પરિસ્થિતિને જોતા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેની તારીખ હવે પછીથી જાહેર કરવામાં આવશે.અમદાવાદ શહેરને હેરીટેજ સીટીનો દરજ્જો મળવા સંદર્ભમાં આયોજિત હેરીટેજ સમારોહને પણ હવે પછી છઠ્ઠી ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે.