(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૭
નર્મદા યોજનાના દરવાજાના નામે ભાજપની સરકાર માત્ર નાટક કરે છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાના મુદ્દે કોંગ્રેસ પક્ષ રાજનીતિ કરતું નથી પરંતુ જે રીતે ભાજપ સરકાર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી અને માત્રને માત્ર જાહેરાતો કરે છે. તેના લીધે ગુજરાતના નાગરીકોને પીવાનું પાણી અને ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળતો નથી. નર્મદાના કામમાં અડચણો કોંગ્રેસ ઊભું કરતું નથી પરંતુ જે તે સમયે રાજ્યની ભાજપ સરકારે જ અડચણ ઊભી કરી હતી. ભારતની પાંંચમા નંબરની મોટી નદી નર્મદા ગુજરાત માટે માત્ર નદી જ નહીં પણ સંસ્કૃતિ, સંસ્કાર તથા આર્થિક સફળતા માટેની જીવાદોરી છે. ત્યારે ગુજરાતની જનતા સમક્ષ હકીકતો રજૂ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, નર્મદા યોજનામાંથી ગુજરાતના ભાગે આવનાર ૯ એકર મિલિયન ફીટ પાણી વર્ષોથી ઉપલબ્ધ છે પરંતુ ભાજપ સરકારની ગુનાહિત બેદરકારીના કારણે ૪૩,૦૦૦ કિ.મી.ની નર્મદાની કેનાલ, માઈનોર, સબ માઈનોર તથા ફિલ્ડ ચેનલ બની નથી. પરિણામે નર્મદાનું પાણી દરિયામાં જાય છે અને ગુજરાતના ખેડૂતોને નર્મદાનું પાણી મળતું નથી. દરવાજા બંધ કરવાથી જે વીજળી પેદા થશે તે તો પાડોશી રાજ્યોને આપવાની છે. ગુજરાતનો વીજળીનો હિસ્સો નહીંવત્ છે. ગુજરાતને સાચો ફાયદો પાણીનો છે. કેનાલના કામો માટે કોઈની મંજૂરીની જરૂર ન હોવા છતાં કેનાલના કામ રર વર્ષ સુધી કેમ પૂર્ણ ન કર્યા ? ભાજપ તેના જવાબ આપે. નર્મદાના દરવાજા બંધ કરવાની મંજૂરી વડાપ્રધાને આપી તેવું જૂઠ્ઠાણું ભાજપ ચલાવે છે. હકીકતમાં નર્મદાના દરવાજાની મંજૂરી મળી તેનો યશ કોંગ્રેસને છે. એનડીએએ દરવાજા બંધ કરવાની મંજૂરી આપી નર્મદા કંટ્રોલ ઓથોરિટીની ૮પમી મીટિંગની મિનિટમાં આ અંગેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. નર્મદાના ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં આવેલ પાંચ ડેમો વીજળી પેદા કરે છે તેથી તેમને ફરજિયાત પાણી છોડવું પડે છે. જે સરદાર સરોવર ડેમમાં આવે છે. જેથી દરવાજા બંધ ન થાય તો પણ ગુજરાતના હિસ્સાનું ૯ એકર મીલિયન ફીટ પાણી મળે જ છે. કેનાલના કામો ન થયા હોવાથી આ પાણી ખેડૂતોને મળવાના બદલે દરિયામાં જાય છે. ૧૯૬૧માં સીલાન્યાસ બાદ નર્મદા ડેમનું કામ ૧૯૮૭ સુધી ખોરંભે પડ્યું હતું કારણ કે પર્યાવરણની મંજૂરી નહોતી મળતી. ૧૯૮૭માં રાજીવ ગાંધીએ પર્યાવરણની મંજૂરી આપી અને ૪૧૬પ.૯૧ હેક્ટર જંગલની જમીન છૂટી કરી તેથી યોજના શક્ય બની.