
(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૪
સૌરાષ્ટ્ર માટેની અત્યંત મહત્ત્વની એવી સૌની યોજનાની લીન્ક-૪ના બીજા તબક્કાના કામની શિલાન્યાસ વિધિ આજે રાજકોટના જસદણ નજીક રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે સંપન્ન કરવામાં આવી હતી. આ સમયે રાષ્ટ્રપતિએ ગુજરાતીમાં બોલતા ગુજરાતને પોતાનું બીજું ઘર ગણાવી તેની સાથે મારો આત્મીયતાનો નાતો હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે, નહેરોની જાળ થકી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હરિયાળી ક્રાંતિ આવશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ પ્રેમ આપ્યો તે મારા માટે મોટી સંપત્તિ છે. સૌરાષ્ટ્રની પ્રથમ મુલાકાતને મારૂ સૌભાગ્ય માનું છું. ગુજરાત એ મારૂં બીજું ઘર છે અને ગુજરાત સાથે મારે આત્મીયતાનો નાતો છે. રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું કે, રાષ્ટ્રપતિ બન્યા પહેલા મેં અમદાવાદની મુલાકાત લીધી હતી ત્યારે એક કાર્યક્રમમાં લોકો કહેતા હતા કે ગુજરાતને રાષ્ટ્રપતિ બન્યા બાદ ભૂલી ન જતા ત્યારે મેં જણાવ્યું હતું કે, ભૂલવાના માપદંડ કયા હોઈ શકે ? અને તેના કારણે જ રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યાના ટૂંકાગાળામાં જ ગુજરાત-સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યો છું.
તેમણે જણાવ્યું કે, મોરારજી દેસાઈ સાથે મને કામ કરવાનો મોકો મળ્યો હતો અને ત્યારથી ગુજરાત સાથે આત્મીયતાનો નાતો રહ્યો છે. નર્મદા ડેમનું પાણી સમુદ્રમાં જતંુ રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નર્મદા ડેમની ઉંચાઈ વધારવાના કાર્યને બીરદાવતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે નર્મદાના નીરથી સૌરાષ્ટ્ર-ગુજરાતના ખેડૂતો અને લોકો સમૃદ્ધ થશે અને કેન્દ્ર તથા રાજ્ય સરકારે નર્મદાના નીર માટે બીછાવેલી નહેરોની જાળ થકી હરિયાળી ક્રાંતિ આવશે “પર ડ્રોપ-મોર ક્રોપ”ના સૂત્રથી સિંચાઈ અને નહેરો બીછાવીને કચ્છના સૂકા પ્રદેશોમાં પાણી પહોંચાડવા દીર્ઘ દૃષ્ટિભર્યુ કામ કરાયું છે.
ગુજરાતના રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ જણાવ્યું કે “સૌની” યોજનાથી સૌરાષ્ટ્રના ગામે-ગામ, ખેતરે-ખેતરને પાણી પહોંચાડવા ચાર લીંકના તબક્કાવારના કામોના માધ્યમથી સમગ્ર સૌરાષ્ટ્રને સિંચાઈથી આવરી લેવાનું આ પગલું આવનારા દિવસોમાં ગુજરાતના ખેડૂતને રાષ્ટ્રની કૃષિ ક્રાંતિમાં અવ્વલ બનાવશે.