નર્મદાને લીધે ૧૮ લાખને બદલે માત્ર ૩ લાખ હેક્ટર જમીનને જ સિંચાઈનો લાભ મળ્યો

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૬
કોંગ્રેસ નર્મદાના મુદ્દે રાજનીતિ કરે છે તેવા મુખ્યમંત્રીએ કરેલા આક્ષેપોનો જવાબ આપતા કોંગ્રેસના પ્રવક્તા ડો.મનિષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાના મુદ્દે કોંગ્રેસ પક્ષ રાજનીતિ નથી કરતું પરંતુ પાણી વિતરણ અને પાણી આયોજન ક્ષેત્રે ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે. ભાજપ સરકારના મળતિયા દ્વારા ર૦ હજાર કરોડનો પાણીનો ગેરકાયદે વેપાર થઈ રહ્યો છે. તેને ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે. તેમ છતાં ભાજપ નર્મદાના નામે ચૂંટણી રથ દ્વારા લાજવાને બદલે ગાજી રહ્યો છે. ગુજરાતના નાગરિકોને રૂપાણીની વાણી નહીં પરંતુ પાણી જોઈએ છે. નર્મદા કેનાલનું નેટવર્ક ઊભું કરવામાં સદંતર નિષ્ફળ ભાજપ સરકારની પાઈપલાઈન દ્વારા પહોંચાડવાની યોજના ધનસંગ્રહ યોજનાનો ભાગ છે. ર૦૦૧થી ર૦૧૭ સુધી નર્મદા કેનાલ નેટવર્ક ઊભું કરવામાં ગુનાહિત બેદરકારી-ઈચ્છા શક્તિઓનો અભાવ પરિણામે ૪પ૦૦૦ કિમીનું માઈનોર કેનાલનું કામ બાકી હોવાના કારણે આજે ગુજરાતના ભાગે આવતું ૯ મિલિયન એકર ફીટ પાણીમાંથી માત્ર ૩ મિલિયન એકર ફીટ પાણીનો જ ઉપયોગ થઈ રહ્યો છે. ગુજરાતના ૮ હજાર ગામો, ૧૩૦ વધુ નગરપાલિકા વિસ્તાર અને અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ સહિતના મહાનગરોના નાગરિકો પીવાના પાણી માટે હેરાનગતિનો ભોગ બની રહ્યા છે. નર્મદાને લીધે ૧૮ લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળવાને બદલે માત્ર ૩ લાખ હેક્ટર જમીનમાં સિંચાઈનું પાણી મળી રહ્યું છે. સારબરમતી નદીમાં સંતોને સાથે રાખી બોટમાં જઈ પાણી નાખ્યું હતું. સિધ્ધપુરમાં સરસ્વતી નદીમાં કરોડો રૂપિયાના ખર્ચે પાણી નાંખ્યું હતું. આજે એક ટીપું પણ પાણી નથી. તે જ રીતે બોટાદમાં ભીમદડ અને કૃષ્ણસાગર તળાવમાં પાણી નાખ્યાને ૪૮ કલાક પછી ખાલીખમ થઈ ગયા છે. કરોડો રૂપિયાના ખર્ચ કરી ઉદ્‌ઘાટનના તાયફા થઈ રહ્યા છે. જેની દશા સરસ્વતી-સાબરમતી અને બોટાદના ભીમદડ અને કૃષ્ણસાગર તળાવ જેવી તો નહીં થાય ને ?

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks