ગાંધીનગર, તા.૧પ
સરદાર સરોવર યોજના અંગે આજે કોંગ્રેસ દ્વારા કરાયેલ પ્રહારોનો જવાબ વાળતાં રાજ્યના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, યુપીએ સરકારના સમયગાળા દરમિયાન સરદાર સરોવર યોજનાની પ્રગતિ અટકાવવાના થયેલા કોંગ્રેસના પ્રયાસોને ઢાંકવા કોંગ્રેસ મિથ્યા પ્રયાસો કરી રહી છે. નર્મદા યોજનાને ભાજપા સરકારે કયારેય રાજકીય મુદ્દો બનાવ્યો ન હોતો તેમ જણાવી ચુડાસમાએ ઉમેર્યું હતું કે, રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ યોજનાના અમલીકરણમાં જે જે સરકારોએ અને સંસ્થાઓએ સહયોગ આપેલો તેના ગૌરવભેર ઉલ્લેખ સાથે અવાર-નવાર ઋણ સ્વીકાર કરેલો છે. પરંતુ હવે જ્યારે કોંગ્રેસ આ યોજના સંદર્ભે ભાજપા સરકાર ઉપર પાયાવિહીન અને રાજકીય દ્વેષથી ભરપૂર આક્ષેપો કરી રહી છે ત્યારે આ યોજનાની પ્રગતિને અવરોધવા કોણે કયારે કેટલા પ્રયાસો કર્યા તેની વિગતો ખુલ્લી પાડવી જરૂરી છે.
ચુડાસમાએ ઉમેર્યું હતું કે, ૧૯૬૧માં સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ થયો અને ત્યારે કેન્દ્ર અને તમામ રાજ્યમાં કોંગ્રેસ શાસિત સરકારો હોવા છતાં ૧૯૮૭માં ડેમના બાંધકામનો પ્રારંભ ર૬ વર્ષે થયો. નર્મદા પાણીની વહેંચણી માટે પર્યાવરણ મંજૂરી તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ વર્ષ ૧૯૮૭માં આપી. વર્ષ ૧૯૯પથી ર૦૦૦ સુધી સુપ્રીમકોર્ટમાં મનાઈ હુકમના કારણે બંધના બાંધકામમાં રોક બાદ વર્ષ ર૦૦૦ પછી ૮૦.૩ મીટરથી આજદિન સુધીમાં ભાજપા સરકારના શાસનમાં બંધની ઊંચાઈ ૧૩૮.૬૮ મીટર એટલે કે પૂર્ણ ઊંચાઈ સુધી પહોંચી છે.
નર્મદા યોજનામાં વિલંબના કારણે રૂા.૧૭૦૦ કરોડનું નુકસાન થયું હોવાના શક્તિસિંહના આક્ષેપોનો પ્રત્યુત્તર વાળતા મંત્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે વાસ્તવમાં યુપીએ સરકારના શાસનમાં બંધ પર દરવાજા મૂકવાની મંજૂરીમાં થયેલા અક્ષમ્ય વિલંબના કારણે તેની ગુનાહિત બેદરકારીને કારણે રૂા.૩૦,૧૧ર કરોડનું નુકસાન ગુજરાતને થયું છે.
મંત્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે, નર્મદા યોજના અંતર્ગત કુલ ૭૧,૭૪૮ કિલોમીટરનું નેટવર્ક કરવાનું થાય છે. તેમાંથી ૪૯,૪૦૦ કિલોમીટર કેનાલોનું નેટવર્ક પૂર્ણ થઈ ગયું છે. આમ કોંગ્રેસે મિથ્યા અપપ્રચાર કરી ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરી રહી છે. ગુજરાતની શાણી જનતા આ અપપ્રચારથી લેશમાત્ર દોરવવાની નથી એટલું જ નહીં પરંતુ કોંગ્રેસને તેનું સ્થાન દેખાડી દેશે તે નિશ્ચિત છે તેમ મંત્રી ચુડાસમાએ અંતમાં જણાવ્યું હતું.